SSAમાં આઉટસોર્સિંગ ભરતીનો વિરોધ: ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કાયમી ભરતીની માંગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) દ્વારા જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-3 અને વર્ગ-4ની ખાલી જગ્યાઓ ખાનગી આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ભરવાના નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ખેરગામના યુથ લીડર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા 11 જૂનના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, પટાવાળા, ચોકીદાર અને સ્વીપર જેવી જગ્યાઓ હવે નિયમિત સરકારી ભરતીને બદલે ખાનગી આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ભરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના લાખો બેરોજગાર યુવાનો તેમજ અનામત વર્ગોના ઉમેદવારોના હિતોને ફટકો પહોંચશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ડૉ. પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ST, SC, OBC અને EWS વર્ગોને સરકારી નોકરીઓમાં મળતા અનામતના બંધારણીય અધિકારો માત્ર નિયમિત ભરતીમાં જ લાગુ પડે છે. આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવાથી અનામત નીતિનો સીધો ભંગ થશે અને હજારો યુવાનો સરકારી નોકરીની તકોથી વંચિત રહી જશે. પરિણામે સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વ બંને જોખમમાં મુકાઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આઉટસોર્સ કર્મચારીઓને સમાન કામ માટે નિયમિત કર્મચારીઓ કરતાં ઓછું વેતન મળે છે તેમજ PF, ESI અને પગાર ચૂકવણીમાં ગેરરીતિઓ તથા વિલંબની ફરિયાદો પણ વારંવાર સામે આવતી રહે છે. વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કાયમી સરકારી નોકરીના દરવાજા બંધ થતાં બેરોજગારી અને અસંતોષમાં વધારો થશે.
ડૉ. પટેલે સરકારી કચેરીઓની ગુપ્તતા અને સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા કર્મચારીઓ પાસે વિદ્યાર્થીઓના ડેટા, નાણાકીય હિસાબો અને અન્ય સંવેદનશીલ માહિતી હોય છે. આવી જવાબદારીઓ ખાનગી એજન્સીના કામચલાઉ કર્મચારીઓને સોંપવાથી ડેટા લીક, ભ્રષ્ટાચાર અને બેદરકારીના જોખમોમાં વધારો થઈ શકે છે.
અંતમાં તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે યુવાનોના હિત, સામાજિક ન્યાય અને સરકારી વહીવટની કાર્યક્ષમતા જાળવવા માટે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને તમામ ખાલી જગ્યાઓ પર નિયમિત તથા પારદર્શક ભરતી પ્રક્રિયા દ્વારા કાયમી નિમણૂકો કરવામાં આવે.
રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને હવે સરકાર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




