
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં વ્યાજખોરીનો ચોંકાવનારો આક્ષેપ : રૂ.16 લાખના વ્યવહારથી રૂ.1.15 કરોડની માંગણી સુધી પહોંચ્યો મામલો – 2 વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

અરવલ્લી : મોડાસાના વેપારી પ્રિયંકકુમાર પરશોત્તમભાઈ પટેલે મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોરી, દબાણ અને ધમકીઓના ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, વર્ષ 2024માં બેંકની લોન ભરવા માટે રૂ.16 લાખની જરૂર પડતાં ઓળખીતા વ્યક્તિ પાસેથી વ્યાજે રકમ લેવામાં આવી હતી. ત્યારબાદ વ્યાજ, પેનલ્ટી અને અન્ય નાણાકીય દબાણના કારણે સમગ્ર મામલો કરોડોના આંકડા સુધી પહોંચ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી મુજબ, શરૂઆતમાં રૂ.16 લાખની રકમ 10 ટકા વ્યાજે લેવામાં આવી હતી. સમયસર મુદલની રકમ પરત ન કરી શકાતા વ્યાજ અને પેનલ્ટી સતત વધારવામાં આવતાં અન્ય વ્યક્તિ પાસેથી પણ વ્યાજે નાણાં લેવડાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા રોજના વ્યાજ અને મોડું થતાં ભારે પેનલ્ટી વસૂલવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વ્યાજ અને મુદલના દબાણ વચ્ચે ફરિયાદીની કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો તથા અન્ય મિલ્કતોના દસ્તાવેજો આરોપીઓ તેમજ તેમના સગા-સંબંધીઓના નામે કરાવવામાં આવ્યા હતા. બાદમાં સમાધાનના ભાગરૂપે લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં ફરીથી બાકી રકમ અને વ્યાજની માંગણી શરૂ કરવામાં આવી હતી.ફરિયાદીનો દાવો છે કે અત્યાર સુધીમાં વ્યાજ, પેનલ્ટી અને અન્ય રીતે કુલ રૂ.91 લાખની વસૂલાત કરવામાં આવી છે અને હજુ પણ રૂ.1.15 કરોડની માંગણી કરવામાં આવી રહી છે. પૈસા નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની તેમજ હાથ-પગ તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે પ્રિયંકકુમાર પટેલ પોતાના પરિવારજનો સાથે મોડાસા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં વિજયભાઈ ઓધારભાઈ દેસાઈ તેમજ નિકુલભાઈ સોકાભાઈ રબારી સામે લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.





