MORBI:મોરબીના જેતપર ગામે ખેતરમાં પડેલા હીટાચી મશીનને અજાણ્યા શખ્સોએ સળગાવ્યું: રૂ. ૧૪ લાખનું નુકસાન







MORBI:મોરબીના જેતપર ગામે ખેતરમાં પડેલા હીટાચી મશીનને અજાણ્યા શખ્સોએ સળગાવ્યું: રૂ. ૧૪ લાખનું નુકસાન


બોલેરોમાં આવેલા ૫ થી ૬ અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને ધમકાવી, લાકડાના ધોકાથી તોડફોડ કરી પેટ્રોલ છાંટ્યું
મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા
મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતતલાવડીના કામ અર્થે રાખવામાં આવેલા એક કિંમતી હીટાચી મશીન પર અજાણ્યા પાંચથી છ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મશીનમાં તોડફોડ કર્યા બાદ પેટ્રોલ છાંટી તેને આગને હવાલે કરી દીધું હતું. આ આગચંપીની ઘટનામાં હીટાચી મશીનના મોટાભાગના પાર્ટ્સ બળીને ખાખ થઈ જતાં અંદાજે રૂ. ૧૪ લાખ જેટલું મોટું નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ, મોરબીના અવની રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટી (ગુંજન હોમ્સ) માં રહેતા અને મૂળ ઘુંટુ હરિનગરના વતની મહેશભાઈ દામજીભાઈ પરેચા (ઉં.વ. ૪૭) ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની માલિકીનું ‘વોલ્વો બીએલસી-૨૧૦’ મોડેલનું હીટાચી મશીન જેતપર-દેવળીયા રોડ પર આવેલા એક ખેતરમાં કામ માટે રાખવામાં આવ્યું હતું.
ગત ૧૫ જૂનની મોડી રાત્રે એક નંબર પ્લેટ વગરની બોલેરો ગાડીમાં ૫ થી ૬ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ મશીન પર હાજર ડ્રાઇવર સલામુદ્દીન જાનમહમદને ગાળો આપી, ડરાવી-ધમકાવી બાજુ પર ખસી જવા મજબૂર કર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકા વડે મશીનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. એટલાથી ન અટકતા, આ શખ્સોએ મશીન પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ હુમલા અને આગચંપીમાં મશીન બળી જતાં માલિકને રૂ. ૧૪ લાખનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે મશીનના માલિક મહેશભાઈ પરેચાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાંચથી છ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



