JAMNAGAR:જામનગર PGVCLના નાયબ ઇજનેર અને આસિસ્ટન્ટ લાઇનમેન રૂા. ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા







JAMNAGAR:જામનગર PGVCLના નાયબ ઇજનેર અને આસિસ્ટન્ટ લાઇનમેન રૂા. ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા


સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વધુ એક મોટી સફળતા મેળવી છે. જામનગર જિલ્લાના સાપર સબ ડિવિઝનની PGVCL કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૧ ના નાયબ ઇજનેર અને વર્ગ-૪ ના આસિસ્ટન્ટ લાઇનમેન રૂા. ૮૦,૦૦૦ ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે.

ઝડપાયેલા આરોપીઓ ૧. રૂષી દિનેશચંદ્ર પરમાર – નાયબ ઇજનેર (વર્ગ-૧), સાપર સબ ડિવિઝન, PGVCL, તા.જી.જામનગર
૨. મનોજભાઇ ડુંગારામ પ્રજાપતિ – આસીસ્ટન્ટ લાઇનમેન (વર્ગ-૪), સાપર સબ ડિવિઝન, PGVCL, તા.જી.જામનગર
ફરિયાદીએ પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવા વીજ કનેક્શન માટે નિયમ મુજબ અરજી કરી હતી. જો કે, આ અરજી પર PGVCL કચેરી દ્વારા લાંબા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગેસ્ટ હાઉસમાં નવું ટીસી (ટ્રાન્સફોર્મર) ફિટ કરી નવું મીટર લગાવી આપવાના કામના અવેજ પેટે આરોપીઓ દ્વારા રૂા. ૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
એસીબીની ટ્રેપ:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે સાપર સબ ડિવિઝન કચેરી ખાતે લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓ ફરિયાદી પાસેથી રૂા. ૮૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
એસીબી દ્વારા બંને લાંચિયા અધિકારીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ગ-૧ ના અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



