નવસારી ખાતે જન કલ્યાણ શિબિરમાં પશ્ચિમ ઝોનના બીજા દિવસે 700થી વધુ લાભાર્થીઓ માહિતી મેળવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત, વિકસિત ગુજરાત મિશન-2047” અંતર્ગત આયોજિત જન કલ્યાણ શિબિર-2026ને નાગરિકો તરફથી સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શિબિરના બીજા દિવસે પશ્ચિમ ઝોન (વેસ્ટ ઝોન) માટે વિજલપોર વિભાગીય કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 700થી વધુ લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવ્યો હતો.
શિબિરમાં નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, શાસક પક્ષના નેતા નરેશકુમાર પુરોહિત તેમજ દંડક રાકેશભાઈ પટેલ સહિત પશ્ચિમ ઝોનના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ રહી હતી. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી 15 વિદ્યાર્થીનીઓને રૂ. 7,500ની સહાયના ટોકન પ્રમાણપત્રો એનાયત કરી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
શિબિરમાં નાગરિકોની સુવિધા માટે વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક-જાતિ તથા નોન-ક્રીમીલેયર દાખલાઓ, સિનિયર સિટિઝન અને દિવ્યાંગતા પ્રમાણપત્રો, પીએમ આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી 2.0), પીએમ જનધન યોજના, પીએમ સ્વનિધિ યોજના સહિતની અનેક સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ અંગે માર્ગદર્શન તેમજ સ્વચ્છ સર્વેક્ષણ-2025 અંતર્ગત કચરા વિભાજન અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.
નવસારી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ જેમ કે જન્મ-મરણ દાખલા, લગ્ન નોંધણી, વીજ કનેક્શન, ગુમાસ્તાધારા, મિલકત ટ્રાન્સફર અને ઝોન પ્લાન સંબંધિત રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવતાં નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
વિજલપોર અને જલાલપોર વિસ્તારના નાગરિકો માટે યોજાયેલી આ શિબિર વહીવટી સેવાઓને લોકોના ઘરઆંગણે પહોંચાડવાના સફળ પ્રયાસ તરીકે સાબિત થઈ છે. એક જ સ્થળે અનેક યોજનાઓનો લાભ મળતાં લાભાર્થીઓએ મહાનગરપાલિકાની કામગીરીને આવકારી હતી.




