હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું !!!

ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે, અને ઝારખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે 12 કલાકની અંદર દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 19 જૂને 17 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાનું ઍલર્ટ જાહેર કર્યું છે. IMD(હવામાન વિભાગ)ના પૂર્વાનુમાન મુજબ, આ અઠવાડિયે ઉત્તર-પૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમના લોકોની મુશ્કેલીઓ વધવાની છે, કારણ કે અહીં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ આશંકા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઉત્તરીય સરહદ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, કોરાપુટ, ફૂલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે.
બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર-પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 19થી 24 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં 19થી 22 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદનું અનુમાન છે.





