

ફૈઝ ખત્રી…શિનોર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે સાધલી ગામના લાભાર્થીઓની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. આ યાદીને લઈને ગામના કેટલાક રહેવાસીઓએ અસંતોષ વ્યક્ત કરતાં કથિત ભ્રષ્ટાચાર અને પસંદગીના લોકોને લાભ અપાયાની ફરિયાદ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વાસ્તવિક અને જરૂરિયાતમંદ પરિવારોના નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે નિયમો મુજબ પાત્રતા ન ધરાવતા લોકોના નામ સામેલ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મામલે ગામના સ્થાનિક લોકો શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ લાભાર્થીઓની યાદીની પુનઃચકાસણી કરી, જો કોઈ ગેરરીતિ જણાય તો યોગ્ય કાર્યવાહી કરીને હકદાર પરિવારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે.




