મહીસાગર જિલ્લામાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું આયોજન

મહીસાગર જિલ્લામાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું આયોજન
****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સુશાસન નિમિત્તે લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ વર્કશોપ સંપન્ન
***
વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે વિશેષ પહેલ
***

વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ સુશાસન નિમિત્તે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા તાલુકાના મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લાના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને તેમને આધુનિક કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવવાનો રહ્યો હતો.
પરિસંવાદની સાથે સાથે ખેડૂતોના માર્ગદર્શન માટે વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટેના ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેના દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આર્થિક ફાયદાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. કૃષિ ક્ષેત્રે કાર્યરત જુદા જુદા વિભાગોએ પણ ખેડૂતોને સરકારી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ ટેકનિક વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કલ્પનાબેન પુવાર ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા જાળવવા અને માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) સહિતના વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આવેલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ પરિસંવાદમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેની પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.



