
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોના સહયોગથી 0.75 હેક્ટર વિસ્તારમાં લીમડો, પીપળ, વડ, બીલી, કાજુ, કદમ, સેવન અને બહેડા સહિત 28 પ્રજાતિના કુલ 1600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વાવેલા વૃક્ષનું જતન ન કરવું અને તેને સુકાવા દેવું એ ભ્રૂણહત્યા સમાન પાપ છે. તેમણે પ્રાકૃતિક ખેતી, જળસંચય અને પર્યાવરણ જાળવણી માટે સૌને આગળ આવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન એ જ જીવન અને સંસ્કૃતિના વિકાસનો પાયો છે. તેમણે પાણી બચત, જળસંચય અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 5.50 કરોડ વૃક્ષો વાવવાનો વનવિભાગનો લક્ષ્યાંક છે. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




