
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સંતાન ન થતાં ‘વાંજણી’ કહી માનસિક-શારીરિક ત્રાસ, પતિ સહિત 6 સાસરિયાઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ
મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની 21 વર્ષીય પરિણીતાએ પતિ સહિત છ સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ મહિલાએ અરવલ્લી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદ મુજબ, ચાર વર્ષ અગાઉ હિંમતનગરના રહેવાસી નિખિલકુમાર જયેશભાઈ વાઘેલા સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને રાજકોટ ખાતે ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી મળતાં દંપતી રાજકોટ રહેવા ગયું હતું. શરૂઆતના ત્રણ વર્ષ સુધી સંબંધો સામાન્ય રહ્યા હતા, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કરાયા હોવાનું મહિલાએ જણાવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દાદા સસરા અને દાદી સાસુ રાજકોટ રહેવા આવતા તેઓ પણ ઘરકામ બાબતે ઝઘડા કરતા અને પતિને પત્ની વિરુદ્ધ ચઢામણી કરતા હતા. સાસુ અને નણંદ સંતાન ન થવા અંગે સતત મહેણાં-ટોણાં મારી અપમાનજનક શબ્દો બોલતા હતા. મહિલાને ‘વાંજણી’ કહી ગાળાગાળી કરવામાં આવતી હતી તેમજ પતિ દ્વારા મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી.
મહિલાના જણાવ્યા પ્રમાણે, સાસુ-સસરા વારંવાર કહેતા હતા કે તેમના પુત્ર માટે બીજી પત્ની લાવવામાં આવશે અને પૈસાદાર ઘરની વહુ જોઈએ છે. દાદા સસરા અને દાદી સાસુ પણ છૂટાછેડા લેવા દબાણ કરતા હતા. નણંદ દ્વારા પણ કામકાજની બાબતે ઝઘડા કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદ મુજબ, તમામ આરોપીઓ એકસંપ થઈને પરિણીતાને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરતા હતા. આશરે આઠ મહિના પહેલા તેને પહેરેલા કપડાં સાથે જ પિયર મોકલી દેવામાં આવી હતી અને ત્યારથી તે પોતાના માતા-પિતા સાથે ટિંટોઈ ખાતે રહે છે. લગ્ન સમયે અપાયેલા દાગીના હજુ પણ સાસરિયા પાસે હોવાનું મહિલાએ જણાવ્યું છે.મહિલાએ પતિ નિખિલકુમાર જયેશભાઈ વાઘેલા, દાદા સસરા જયંતીભાઈ રામાંભાઈ વાઘેલા, દાદી સાસુ નાથીબેન ઉર્ફે લીલાબેન, સસરા જયેશભાઈ જયંતીભાઈ વાઘેલા, સાસુ હર્ષાબેન અને નણંદ વૈશાલીબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




