HALVAD:હળવદ રાજકોટના ત્રણ શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ, પોલીસે તપાસ હાથ ધરી




HALVAD:હળવદ રાજકોટના ત્રણ શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ, પોલીસે તપાસ હાથ ધરી

હળવદ પંથકમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટના એક શખ્સ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેના પરિવાર દ્વારા અવારનવાર આપવામાં આવતી ધમકીઓથી કંટાળીને એક ૨૦ વર્ષીય યુવતી (અનીતા) એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે મૃતકની માતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૃતક યુવતી મોરબીના એક શો-રૂમમાં નોકરી કરતી હતી. તે દરમિયાન આરોપી ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમાર ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે ઝઘડો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ બાબતની જાણ પોતાના પરિવારને કરતાં, તેના માસાએ ધર્મેન્દ્રને સમજાવવા માટે ફોન કર્યો હતો. પરંતુ ધર્મેન્દ્રએ સુધરવાના બદલે “સમાધાન કરી લો નહીંતર છરીના ઘા મારી દઈશ” તેવી ગંભીર ધમકી આપી હતી.
આ દુષ્કર્મ અંગે યુવતીએ અગાઉ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી પોલીસમાં ફરિયાદ થતાં જ આરોપી ધર્મેન્દ્રના પરિવારજનોએ યુવતી પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આરોપી ધર્મેન્દ્રના પત્ની, સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, તથા મનીષાબેન સંજયભાઈ પરમાર (તમામ રહે. હરીપરના પાટીયા પાસે, કાલાવડ રોડ, મેટોડા હાઈવે, રાજકોટ) એ કેસમાં સમાધાન કરી લેવા માટે અવારનવાર ફોન કરીને ધમકીઓ આપી હતી.આરોપીઓના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે ૨૦ વર્ષીય અનીતાએ પોતાના ઘરના રૂમમાં છતના હુક સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.મૃતકની માતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૧૦૮, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



