MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર: આજે રાત્રે ગૌતમ અદાણીનું ‘બેસણું’ યોજાશે




MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર: આજે રાત્રે ગૌતમ અદાણીનું ‘બેસણું’ યોજાશે

‘જય જવાન, જય કિસાન’ના નારા સાથે જેતપર મુકામે ચાલી રહેલું ખેડૂતોનું ઉપવાસ આંદોલન ભાગ-૨ હવે વધુ આક્રમક અને ઉગ્ર બની રહ્યું છે. આજે શનિવારે આ પ્રતિકાત્મક ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે, ત્યારે ખેડૂતો દ્વારા કોર્પોરેટ જગત સામે અનોખો વિરોધ પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત આગેવાનો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ‘માનવતાનું અવસાન’ થયું હોવાના પ્રતીક રૂપે આજે રાત્રે જેતપર ખાતે એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજાશે.

જેમાં ગૌતમ અદાણીનું પ્રતીકાત્મક બેસણું (રોકકળ કાર્યક્રમ) સમય: આજે શનિવારે રાત્રે ૯:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી સ્થળ: ખેડૂત ઉપવાસ છાવણી, જેતપર ખાસ આયોજકો દ્વારા આંદોલનકારીઓ અને સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે બેસણાના આ પ્રતીકાત્મક કાર્યક્રમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક સદસ્યએ કાર્યક્રમને અનુરૂપ (શોક સભાના) કપડાં પહેરીને હાજર રહેવું.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ આંદોલન તેમના હકોની લડાઈ છે અને કોર્પોરેટ નીતિઓ સામે પોતાનો આક્રોશ ઠાલવવા માટે આ પ્રકારનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ રાત્રિ કાર્યક્રમને પગલે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે.



