NATIONAL

રામ મંદિર દાન ચોરી ઘટના : 60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? : SIT

અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના મામલામાં એસઆઇટી(SIT)ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અને તે પહેલાં દેશભરના શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલી અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓનો કોઈ સત્તાવાર રૅકોર્ડ કે રસીદ ન મળી આવતા મોટો હડકંપ મચી ગયો છે. હવે આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ દાન આપનારા શ્રદ્ધાળુઓનો સીધો સંપર્ક કરી રહી છે.

તપાસ ટીમ માટે સૌથી મોટી પઝલ રામ મંદિરની નીવ(પાયા)માં રાખવા માટે આપવામાં આવેલી 60 કિલો ચાંદીની શિલાઓ (ઇંટો) બની ગઈ છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશનના નોર્થ ઇન્ડિયા હેડ અનુરાગ રસ્તોગીએ દાવો કર્યો છે કે, દેશભરના સર્રાફા વેપારીઓના સહયોગથી આ 60 કિલો ચાંદી એકત્ર કરીને 1થી 1.25 કિલો વજનની ઇંટો બનાવવામાં આવી હતી, જેના પર દાનદાતાઓના નામ અને ગોત્ર પણ અંકિત હતા.

આ શિલાઓ 20 જુલાઈ 2020ના રોજ ચંપત રાયની પરવાનગીથી અયોધ્યા લાવવામાં આવી હતી અને ટ્રસ્ટના હોદ્દેદારો ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને કોષાધ્યક્ષ પ્રકાશ ગુપ્તાની હાજરીમાં તેની વિશેષ પૂજા થઈ હતી. ઍસોસિએશન પાસે આ સામાન સોંપ્યાની સત્તાવાર રસીદ પણ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મંદિર નિર્માણ કે નીવ પૂજન દરમિયાન આ શિલાઓ ક્યાંય જોવા મળી નથી અને અત્યારે રૅકોર્ડમાંથી સંપૂર્ણપણે ગાયબ છે.

જૌનપુરના વતની અને હાલ મુંબઈમાં વ્યવસાય કરતા અજય વિશ્વકર્મા(અનિલ વિશ્વકર્મા)ના પરિવારનો મામલો પણ અત્યંત કરુણ છે. આ શ્રદ્ધાળુ પરિવાર મહિલાઓ અને બાળકો સહિત આશરે 200 કિલોમીટર ખુલ્લા પગે ચાલીને 29 ઑક્ટોબર 2025ના રોજ અયોધ્યા પહોંચ્યો હતો. તેમણે મુંબઈમાં ખાસ ઑર્ડર આપીને રામલલા માટે 12 જ્યોતિર્લિંગ ધરાવતો આશરે 3 કિલો ચાંદીનો બહુમૂલ્ય હાર (માળા) અને 64 શુભ પ્રતીકો ધરાવતી 1 કિલો ચાંદીની ચરણ પાદુકા તૈયાર કરાવી હતી.

મંદિરના પ્રવેશદ્વાર પર તેમને રામાશંકર ઉર્ફે ટિન્નુ યાદવ નામનો કર્મચારી મળ્યો, જે તેમને વીઆઇપી માર્ગે ગર્ભગૃહમાં લઈ ગયો. ત્યાં હાર અને પાદુકા રામલલા સમક્ષ મૂક્યા બાદ ટિન્નુ યાદવે તે પોતાના કબજામાં લઈ લીધા હતા. પરિવારે જ્યારે આ દાનની રસીદ અને રામલલાના ફોટા માંગ્યા, ત્યારે બૅંક વેરિફિકેશનનું બહાનું કાઢીને તેમને રસીદ આપવામાં આવી નહોતી.

જ્યારે એસઆઇટીએ આ મામલે પૂછપરછ કરી, ત્યારે મુખ્ય પૂજારી મોહિત પાંડેએ જણાવ્યું કે તેમણે ભગવાનને હાર પહેરાવ્યા બાદ તે પરત ટિન્નુ યાદવને સોંપી દીધો હતો. જ્યારે ટિન્નુ યાદવે એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે, આ હાર અને પાદુકાને ઇંટના રૂપમાં ગાળવા માટે બેંગલુરુ (અથવા પશ્ચિમ બંગાળ) મોકલી દેવાયા હતા જેથી તેમાંથી પૂજાના વાસણો બનાવી શકાય. જો કે, આ રીતે દાગીના બહાર મોકલવાનો કોઈ જ ઠોસ રૅકોર્ડ, દસ્તાવેજ કે પરવાનગી પત્ર ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત, અનુરાગ રસ્તોગીએ દાનમાં આપેલા બે ચાંદીના દીપકો, બે ચાંદીના કટોરા અને પંચધાતુના મૂસલનો પણ કોઈ પતો નથી. આ દીપકો પૈકી એક દીપકથી ડૉ. અનિલ મિશ્રાએ મંદિરની ‘અખંડ જ્યોત’ પ્રગટાવી હતી, જે પીએમ નરેન્દ્ર મોદીના દર્શન વખતે પણ દેખાતો હતો, પરંતુ આજે તે દીપો પણ ગાયબ છે.

આ મામલાની ગંભીરતાને જોતાં એસઆઇટીના વરિષ્ઠ સભ્યો લખનૌ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઇજી કિરણ એસ. અને વિશેષ સચિવ નીલરતન કુમારે સમગ્ર મામલાની વિસ્તૃત સમીક્ષા કરી છે. દાગીના અને ચઢાવાની દેખરેખ રાખતા કૃષ્ણદેવ તિવારીએ આ કોઈ પણ કિંમતી વસ્તુઓ અંગે પોતાની પાસે જાણકારી હોવાનો સાફ ઇન્કાર કર્યો છે. એસઆઇટી હવે એ તપાસી રહી છે કે આ માત્ર રૅકોર્ડ મેન્ટેનન્સની બેદરકારી છે કે પછી રામ મંદિરના ગર્ભગૃહમાંથી કિંમતી ચઢાવો સગેવગે કરવાનું કોઈ મોટું સંગઠિત નેટવર્ક કામ કરી રહ્યું હતું.

Back to top button
error: Content is protected !!