સાબરકાંઠા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ


સાબરકાંઠા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
લોકહિતના પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓને ‘ખંતથી અને જવાબદારીપૂર્વક કામ કરવા કલેક્ટરશ્રીની તાકીદ
****
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક ઉકેલ માટે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને ખંતથી અને જવાબદારીપૂર્વક કામ કરવા ખાસ જણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન પાણી પુરવઠા વિભાગની કામગીરીને લગતી વિવિધ બાબતો, નલ સે જલ યોજના અંતર્ગત સંલગ્ન ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ દ્વારા સિંચાઈ માટે તળાવો ભરવા અંગે તેમજ સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આવેલા નાના અને મોટા કુલ કેટલા તળાવો છે? વિશેષ કરીને, ખેડબ્રહ્મા તાલુકામાં હાલ કેટલા તળાવો ભરવાના થાય છે તે અંગે પ્રશ્નો કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ હિંમતનગર અને આસપાસના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા. રોડ સેફ્ટી અને અકસ્માત નિવારણ, હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા, અંડરગ્રાઉન્ડ વીજલાઈન અને પાવર સપ્લાય, મોદી ગ્રાઉન્ડનો પ્રશ્ન, પ્રાથમિક શાળાઓના ઓરડાના પડતર પ્રશ્નો તેમજ સ્ટેમ્પ વેન્ડરોના પ્રશ્નો તેમજ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પરના દબાણ દૂર કરવા જેવા પ્ર્શ્નો રજુ કર્યા હતા. જેના સંબંધીત અધિકારીઓએ જવાબ રજુ કર્યા હતા.
ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઇડર રેસ્ટ હાઉસના રિનોવેશન, તેમજ ઇડર-વડાલી વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અને ઇડર વડાલીમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા અંગે અને રેલ્વે ગરનાળાના પ્રશ્નો, તેમજ ખેડૂતોની જમીન માપણીના વર્ષો જુના પ્રશ્નો ઝડપથી નિકાલ કરવા અંગે ખાસ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકના બીજા ભાગમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો અને રેકોર્ડની સુધારણા તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોનો સમયસર નિકાલ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજ સિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




