
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતના નામે 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ..? બાયડમાં કરોડોની જમીન કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે વર્ષ 1972માં અવસાન પામેલા મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની તથા વેચાણ દસ્તાવેજ નોંધાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં નકલી ઓળખપત્રો, ખોટા દસ્તાવેજો અને સરકારી તંત્રની સંભવિત મિલીભગત અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
આક્ષેપો મુજબ, મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું વર્ષ 1972માં અવસાન થયું હતું અને તેની સત્તાવાર નોંધ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં વર્ષ 2025માં તેમના નામે પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજો સાથે રજૂ કરાયેલા આધારકાર્ડમાં જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1971 દર્શાવવામાં આવી હોવાનું જણાવાયું છે. જેના કારણે જમીનની માલિકી અને જન્મ વર્ષ વચ્ચે ગંભીર વિરોધાભાસ ઉભો થયો છે.
યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, મૂળ ખાતેદારના કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું કર્યા વગર જ દસ્તાવેજ નોંધાયો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત જમીન ખરીદનાર, સાક્ષીઓ અને દસ્તાવેજમાં રજૂ કરાયેલા વ્યક્તિઓની ઓળખ અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે. વ્યવહાર માટે અપાયેલા ચેક કયા ખાતામાં વટાવાયા અને નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરરીતિ થઈ કે કેમ તે મુદ્દે પણ તપાસ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીની કામગીરી, દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા અને સંભવિત જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે ગુનો દાખલ કરી ઉચ્ચ સ્તરીય એસઆઈટી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે.જોકે, આ તમામ મુદ્દાઓ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલા આક્ષેપો પર આધારિત છે અને સંબંધિત વિભાગો કે સંકળાયેલા વ્યક્તિઓનો સત્તાવાર પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. સમગ્ર મામલે તપાસ બાદ જ વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે.




