MORBI:મોરબીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે મેડિકલ ટીમને લઈને વિવાદ: આરોગ્ય અધિકારીનો આદેશ છતાં ટીમ ગેરહાજર હોવાના આક્ષેપ!




મોરબીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે મેડિકલ ટીમને લઈને વિવાદ: આરોગ્ય અધિકારીનો આદેશ છતાં ટીમ ગેરહાજર હોવાના આક્ષેપ!

જેતપર ખાતે વીજ કંપનીની જોહુકમી અને અન્યાયી નીતિઓ સામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે. ધોમધખતા તાપમાં ન્યાયની માંગ સાથે અડગ બેઠેલા ખેડૂતોની વ્યથા સાંભળવા સરકાર કે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ડોકિયું સુદ્ધાં કરવા તૈયાર નથી, જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો સતત ચાર દિવસથી અન્નનો ત્યાગ કરીને બેઠા હોવાથી તેમની તબિયત ધીમે-ધીમે કથળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા દેખાડો કરવા માટે આરોગ્ય વિભાગની ઇમરજન્સી મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત તો કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આંદોલનના ચોથા દિવસે પણ આરોગ્યની આ ટીમ ઘટનાસ્થળેથી ગાયબ જોવા મળી હતી. ખેડૂતોના જીવ જોખમમાં હોવા છતાં તંત્રની આવી ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
“અમે અમારા હક માટે લડી રહ્યા છીએ. વીજ કંપની અમારું શોષણ કરે છે અને જ્યારે અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીએ છીએ, ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને અમારી મરણતોલ સ્થિતિની મજાક ઉડાવી રહ્યું છે.”
જવાબદારોની ઉદાસીનતા: સતત ચોથા દિવસે પણ વહીવટી તંત્ર કે વીજ કંપનીના કોઈ પ્રતિનિધિએ ખેડૂતોની મુલાકાત લીધી નથી મેડિકલ ટીમની ગેરહાજરીને કારણે જો કોઈ ખેડૂતની તબિયત વધુ બગડશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આંદોલન તેજ બનવાના એંધાણ: જો આગામી ૨૪ કલાકમાં ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને તંત્ર પોતાનું વલણ નહીં બદલે, તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.ખેડૂતોની કથળતી જતી હાલત વચ્ચે હવે જોવાનું એ રહે છે કે આ બહેરા તંત્રની આંખ ક્યારે ખૂલે છે અને જગતના તાતને ક્યારે ન્યાય મળે છે.




