MAHISAGARSANTRAMPUR

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લો બન્યો યોગમય:

વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લો બન્યો યોગમય:

જિલ્લાના દરેક તાલુકામાં ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરાઈ…

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

આજ રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આ વૈશ્વિક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પાવન અવસરે સમગ્ર મહીસાગર જિલ્લો યોગમય બની ગયો હતો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગના અનન્ય મહત્વને સમજાવતા આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓએ અદભુત જાગૃતિ અને સહભાગિતા દર્શાવી હતી.

જિલ્લા વહીવટી તંત્રના સુવ્યવસ્થિત આયોજન હેઠળ, જિલ્લાના દરેક તાલુકા મથકો પર વહેલી સવારથી જ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા હતા.

વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો અને પદાધિકારીઓએ દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્માને સંતુલિત રાખવાની એક પ્રાચીન ભારતીય વિદ્યા છે. સ્વસ્થ, તણાવમુક્ત અને નિરોગી સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિએ યોગને પોતાની દિનચર્યાનો એક અવિભાજ્ય અંગ બનાવવો જોઈએ. અધિકારીઓ અને પદાધિકારીઓએ સામાન્ય જનતા સાથે જ બેસીને યોગાસનો અને પ્રાણાયામ કરી સૌને પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.
વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાનું વાતાવરણ ‘કરો યોગ, રહો નિરોગ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નાના ભૂલકાઓથી લઈને વયોવૃદ્ધ નાગરિકો સુધીના તમામ વયજૂથના લોકોની ઉત્સાહપૂર્વકની હાજરીએ આજના વિશ્વ યોગ દિવસની ઉજવણીને મહીસાગર જિલ્લામાં ખરા અર્થમાં ઐતિહાસિક અને સફળ બનાવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!