ARAVALLIBHILODAMODASA

ભિલોડા – જૂના મનદુઃખમાં યુવક પર હુમલો, સળિયાનો ઘા વાગતા માથામાં ઈજા; ચાર સામે ફરિયાદ નોંધાઈ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – જૂના મનદુઃખમાં યુવક પર હુમલો, સળિયાનો ઘા વાગતા માથામાં ઈજા; ચાર સામે ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઇન્દ્રપુરા ભરાડા ફળિયામાં જૂની બોલાચાલીના મનદુઃખને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગાળો બોલી ઝપાઝપી કર્યા બાદ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને એક આરોપીએ સળિયાથી માથાના ભાગે ઘા મારતા યુવકને ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે ચાર વ્યક્તિઓ સામે ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી ત્રિશલુકુમાર રમેશભાઈ મેણાત (ઉ.વ. 28), રહે. ઇન્દ્રપુરા ભરાડા ફળિયાના જણાવ્યા મુજબ, તેઓ 20 જૂન 2026ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે પોતાના ઘરની પાછળ રોડ ઉપર ઉભા હતા. તે દરમિયાન ગામના દિનેશભાઈ શંકરભાઈ ઘોઘરા, રાહુલભાઈ રમેશભાઈ ઘોઘરા, નરેન્દ્રભાઈ જગદીશભાઈ ઘોઘરા અને ભાવેશભાઈ કાનજીભાઈ ઘોઘરા ત્યાં આવી પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ, અગાઉ તેમના પિતા સાથે થયેલી બોલાચાલીની બાબતને લઈને ચારેય વ્યક્તિઓએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના પાડતા ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન રાહુલભાઈ રમેશભાઈ ઘોઘરાએ હાથમાં રહેલા સળિયાથી માથાના ભાગે ઘા મારતા ફરિયાદીને ઈજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.બૂમાબૂમ સાંભળી ફરિયાદીના ભાઈ ચેતનભાઈ રમેશભાઈ મેણાત, ખિલવંતભાઈ રમેશભાઈ મેણાત તેમજ પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી જતાં રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર પૂર્ણ થયા બાદ ફરિયાદીએ ચારેય આરોપીઓ સામે ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!