NATIONAL

અયોધ્યામાં રામ મંદિરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું , સીતા રામ રસોઈ નામથી એક અલગ ટ્રસ્ટ બનાવાયું

ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરીની એસઆઈટી તપાસ કરી રહી છે તેવા સમયે દાન ચોરીના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. અહીં સીતા રામ રસોઈ નામથી એક અલગ ટ્રસ્ટ બનાવાયું છે, જે શ્રદ્ધાળુઓ પાસેથી ઓનલાઈન દાન વસૂલે છે. બીજીબાજુ દાન ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીએ નવ પેન ડ્રાઈવમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવાને એકત્રિત કરી સુરક્ષિત રાખ્યા છે.

અયોધ્યામાં રામ મંદિરમાં દાન અને ચઢાવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઠગોએ રામ મંદિર ટ્રસ્ટ જેવા જ લોગો અને વેબસાઈટ બનાવી કરોડો રૂપિયાનું દાન એકત્ર કર્યું અને પછી તેને બંધ પણ કરી દીધું. રામ મંદિર ટ્રસ્ટના સત્તાવાર લોગો સાથે ભળતો લોગો તૈયાર કરી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ બનાવાયું હતું. શ્રદ્ધાળુઓને દાન માટે લિંક મોકલાઈ હતી. સીતા રામ રસોઈના નામના નકલી ટ્રસ્ટને રામ મંદિર ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નહોતી.

એસઆઈટીની તપાસના દાયરામાં હવે એવા લોકો અને સંસ્થાઓને પણ સામેલ કરાઈ છે, જેમણે સીતા રામ રસોઈ નામથી ટ્રસ્ટ બનાવી શ્રદ્ધાળુઓ પાસેથી દાન ઉઘરાવ્યું હતું. કથિત નકલી ટ્રસ્ટનું નામ અને લોગો એ રીતે તૈયાર કરાયો હતો કે સામાન્ય શ્રદ્ધાળુઓ તેને રામ મંદિર સાથે સંકળાયેલી સત્તાવાર સંસ્થા સમજી બેઠા હતા. આરોપ છે કે આ ટ્રસ્ટના માધ્યમથી જ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દાન એકત્ર કરાયું હતું.

સીતા રામ રસોઈ નામથી ટ્રસ્ટની નોંધણી કરાવી શ્રદ્ધાળુઓ પાસેથી ભોજન સેવા, ભંડારો અને ધાર્મિક કાર્યોના નામે આર્થિક મદદ માગવામાં આવી હતી. આ ટ્રસ્ટ મારફત કેટલી રકમ એકત્ર કરાઈ અને કોના ખાતામાં તેની લેવડ-દેવડ હતી તેની તપાસ કરાશે. દાન ચોરીના વિવાદો વચ્ચે મા સીતા રસોઈ અયોધ્યા ફાઉન્ડેશન નામની સંસ્થાની વેબસાઈટ બંધ છે.

દરમિયાન રામ મંદિર ચઢાવા અને દાનમાં ચોરીના આરોપોની તપાસ કરી રહેલી એસઆઈટીએ નવ પેનડ્રાઈવમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા એકત્રિત કરી સુરક્ષિત કરી લીધા છે. જોકે, એસઆઈટી પાંચ દિવસ સુધી આઠથી 10 કલાકની આકરી પૂછપરછ પછી પણ રામ મંદિરમાં દાન ચોરીની ઘટનાઓ મુદ્દે ટ્રસ્ટીઓ કેમ ચૂપ હતા તે સવાલનો જવાબ શોધી શક્યા નથી.

એસઆઈટીના અધિકારીઓને આ સવાલનો ટ્રસ્ટીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. એસઆઈટી ટૂંક સમયમાં તેનો રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપે તેવી શક્યતા છે.

Back to top button
error: Content is protected !!