
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના રેલ્લાવાડા-કુણોલ રોડ પર બાઇક અકસ્માત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા-કુણોલ રોડ પર રાત્રિના 8 વાગ્યાની આજુબાજુ રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક અકસ્માતગ્રસ્ત બની હતી, જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પુરુષ અને મહિલા રાજગોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે તેને મોડાસાની હોસ્પિટલમાં રિફર કરી હતી. જ્યારે પુરુષને પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે.અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





