MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળિયા મિયાણામાં ખેડૂતોનો ઉગ્ર રોષ: સંમતિ વિના હેવી વીજ લાઈનના થાંભલા નાખવા સામે મામલતદારને આવેદનપત્ર

 

MALIYA (Miyana:માળિયા મિયાણામાં ખેડૂતોનો ઉગ્ર રોષ: સંમતિ વિના હેવી વીજ લાઈનના થાંભલા નાખવા સામે મામલતદારને આવેદનપત્ર

 

માળિયા મિયાણા તાલુકામાં ખેતીની જમીન પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની સંમતિ વિના જ ઊભા કરવામાં આવી રહેલા હેવી વીજ લાઈનના થાંભલાઓ અને મનસ્વી કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે આજે માળિયા મી. તાલુકા ખેડૂત સંગઠન અને સરપંચ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે મામલતદારને એક આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા માટે 7/12 જેવા માલિકીના પુરાવા રજૂ કરવા પડે છે. જ્યારે બીજી તરફ, ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની સ્પષ્ટ સંમતિ લીધા વિના જ સીધી જમીનમાં કામગીરી શરૂ કરી દે છે. આ પ્રકારની એકતરફી અને જોહુકમી ભરેલી કાર્યવાહી ખેડૂતોને કોઈપણ ભોગે સ્વીકાર્ય નથી.

ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ દેશના વિકાસના વિરોધી નથી. રસ્તા, વીજળી અને રેલવે જેવી માળખાકીય સુવિધાઓ દેશ માટે જરૂરી છે તે ખેડૂતો સમજે છે, પરંતુ વિકાસના નામે ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવે તે સહન નહીં કરાય. ખેડૂત વિકાસનો ભાગીદાર છે, માત્ર બલિદાન આપનાર નથી.જંત્રીના કાગળ પરના આંકડા નહીં, બજારભાવ પ્રમાણે વળતરની માંગ :સરકાર અને કંપનીઓ દ્વારા જંત્રીના 4 ગણા વળતરની વાતો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોના મતે માત્ર કાગળ પર આંકડા બતાવવાથી વાસ્તવિક નુકસાનની ભરપાઈ થતી નથી. ખેડૂતોએ પડકાર ફેંકતા જણાવ્યું છે કે:”જો ખરેખર જંત્રીના 4 ગણા ભાવે સમાન ગુણવત્તાવાળી જમીન મળતી હોય, તો સરકારે કે કંપનીએ અસરગ્રસ્ત ખેડૂતને તેટલી જ કિંમતમાં બીજી સમાન જમીન ખરીદીને આપવી જોઈએ.”ખેડૂતોએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતીલાયક જમીન કોઈ સામાન્ય સંપત્તિ નથી, તેના પર દેશના કરોડો લોકોનું પેટ ભરાય છે. દુનિયાનું કોઈપણ મશીન અનાજ કે શાકભાજી બનાવી શકતું નથી, તે માત્ર ખેતીલાયક જમીન જ આપી શકે છે. હાલમાં જંત્રીના દરો અને વાસ્તવિક બજારભાવ વચ્ચે આસમાન-જમીનનો તફાવત હોવાથી, ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે જ યોગ્ય અને પૂરતું વળતર મળવું જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

આ અંગે માળિયા મિયાણાના મામલતદારે આવેદનપત્ર સ્વીકારતા જણાવ્યું હતું કે, “માળિયા મિયાણા તાલુકા ખેડૂત સંગઠન અને માળિયા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતોની જમીનમાંથી જે વીજપોલ પસાર થઈ રહ્યા છે, તે અન્વયે યોગ્ય વળતર આપવા માટે મને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર હું યોગ્ય નિર્ણય અર્થે આગળ સરકારમાં મોકલી આપીશ.”હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ન્યાયિક માંગણીઓ પર સરકાર અને ખાનગી કંપનીઓ શું વલણ અપનાવે છે. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!