
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે પરવાનગી વિના રાતભર ચાલતા નાઇટ શોનો પર્દાફાશ, 281 દારૂની બોટલો સાથે 8 ઝડપાયા, બે આરોપી હજુ ફરાર
વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે મંજૂરી વિના યોજાયેલા ‘ડીજે સપાટા’ નામના નાઇટ શો પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રાતભર ચાલતા આ કાર્યક્રમમાં આશરે 3,000 લોકો એકત્ર થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ જી.વી. ચાવડા, પીએસઆઈ એ.એસ. પટેલ સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ડીજે સિસ્ટમ તેમજ જનરેટર કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત આયોજકોના નિવાસસ્થાન પર પણ તપાસ ચલાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ 281 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 39,120 હોવાનું પોલીસે જણાવ્યું છે. નાઇટ શોમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે.
આ મામલે ડીજે સંચાલકો, આયોજકો અને અન્ય સંકળાયેલા કુલ 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાનો ભંગ થાય તે પહેલાં જ કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કાર્યક્રમને બંધ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.




