JUNAGADHJUNAGADH CITY / TALUKO

વરસાદી તાણની સ્થિતિમાં બાગાયતી પાકોમાં ભેજ સંરક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શન

વરસાદી તાણની સ્થિતિમાં બાગાયતી પાકોમાં ભેજ સંરક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શન

જૂનાગઢ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે પાણી, પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ઉપયોગી સૂચનો : ખેડૂતોએ નવા કલમ-રોપાનું વાવેતર વરસાદ સ્થિર થયા પછી જ કરવું હિતાવહ અલ-નીનોની અસરોને લીધે સૌરાષ્ટ્ર અને જૂનાગઢ વિસ્તારમાં વરસાદ અનિયમિત, મોડો અથવા ઓછો થવાની શક્યતાઓને ધ્યાને રાખીને બાગાયતી પાકોના રક્ષણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો જેવા કે, કેરી, ચીકુ, જામફળ, નાળિયેર, પપૈયા, કેળા, લીંબુ અને દાડમ વગેરેને પાણીની અછત તેમજ વિપરીત હવામાન સામે સુરક્ષિત રાખવા માટે ખેડૂતોને પાણી, પોષણ, ભેજ સંરક્ષણ અને જીવાત નિયંત્રણનું સુઆયોજિત સંચાલન માટે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. બાગાયત વિભાગની જાહેર સૂચનાઓ મુજબ વરસાદની આ પરિસ્થિતિમાં બાગાયતી પાકો માટે પાણીનું કાર્યક્ષમ સંચાલન જરૂરી છે. ખેડૂતોએ પિયત માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અને બગીચામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ફાર્મ પોન્ડની વ્યવસ્થા ઊભી કરવી હિતાવહ છે. પાકને જરૂરિયાત મુજબ જ પિયત આપવું અને વધુ પડતું પાણી આપવાનું ટાળવું, જમીનમાંથી પાણીનું બાષ્પીભવન ૩૦ થી ૫૦ ટકા સુધી ઘટાડવા અને નીંદણ નિયંત્રણ માટે જૈવિક મલ્ચિંગ જેમ કે સૂકું ઘાસ, ઘઉંનું પરાળ, પાકના અવશેષો અથવા પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. બાગાયતી પાકોમાં પોષણ વ્યવસ્થાપન માટે જમીનનો જૈવિક કાર્બન વધારવા હેતુ સડી ગયેલું છાણિયું ખાતર, વર્મી-કમ્પોસ્ટ, જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિ યુનિવર્સિટીઓની ભલામણો મુજબ રાસાયણિક ખાતરો હપ્તે-હપ્તે આપવા તેમજ ઝિંક, બોરોન અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સની ખામી જણાય તો પર્ણ-છંટકાવ (સ્પ્રે) કરવો જરૂરી છે. લાંબા સૂકાકાળ દરમિયાન વૃક્ષોને પાણીની તાણ ન આવે તેની ખાસ કાળજી રાખવી. જો ફળ ખરવાનું પ્રમાણ વધે તો કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરી શકાય છે, તેમજ વૃક્ષોની વધુ મોટી અને ભારે ડાળીઓનું યોગ્ય રીતે કાપકૂપ (Pruning) કરવું જોઈએ. સૂકા અને ગરમ વાતાવરણમાં થ્રીપ્સ, માઈટ્સ અને અન્ય ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી શકતો હોવાથી તેના નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવી જોઈએ નવા બગીચાના વાવેતરમાં ખેડૂતોએ નવા કલમ-રોપાનું વાવેતર વરસાદ સ્થિર થયા પછી જ કરવું જોઈએ, તેમજ દરેક રોપાને થાળું બનાવી મલ્ચ આપવું અને પવન સામે રક્ષણ માટે પવનરોધક (Windbreak) વૃક્ષોનો ઉપયોગ કરવો. તેમજ બહુ-સ્તરીય અને આંતર પાક વ્યવસ્થાપનમાં નાળિયેરીની સાથે આદુ-હળદરનું આયોજન, કમલમ (ડ્રેગન ફ્રુટ) અને શાકભાજી પાકો માટે મંડપ વ્યવસ્થા, તેમજ આંબાના બગીચામાં આંતર પાક તરીકે આદુ કે હળદરનું વાવેતર કરી શકાય છે. આ ઉપરાંત બાગાયતી પાકોની સાથે મધમાખી પાલનની પેટીઓ મૂકવાથી પરાગનયનની પ્રક્રિયા કરવામાં વેગવંતી બને છે, જેનાથી પાકનો ઉતારો સારો આવે છે અને ખેડૂતો ઉત્પાદિત મધ વેચીને વધારાની પૂરક આવક પણ મેળવી શકે છે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢનાની યાદીમાં જણાવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!