
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જમીન વિવાદમાં સગા ભાઈ-ભાભી સામે હુમલાની ફરિયાદ – કુહાડી અને ધારીયું માથામાં ભાગમાં વાગતાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના કુંડોલ (દહેગામડા) ગામે જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈ અને ભાભી સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી રણજીતભાઈ સવજીભાઈ બારીયા (ઉ.વ. 46)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 21 જૂન 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યે તેઓ અને તેમની પત્ની ઉષાબેન પોતાના ભાગના ખેતરમાં મકાનનો પાયો ખોદી રહ્યા હતા. તે દરમિયાન તેમના ભાઈ વિશ્રામભાઈ સવજીભાઈ બારીયા અને ભાભી સુશીલાબેન ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યા હતા અને જમીન ખેડવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદ મુજબ, જમીન પોતાની હોવાનું કહી બંનેએ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ વિશ્રામભાઈ ટ્રેક્ટરમાંથી કુહાડી અને લાકડી લઈને નીચે ઉતર્યા હતા, જ્યારે સુશીલાબેન ધારીયું લઈને આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન વિશ્રામભાઈના હાથમાં રહેલી કુહાડી રણજીતભાઈના માથાના ભાગે વાગી હતી, જ્યારે સુશીલાબેનના હાથમાં રહેલું ધારીયું ઉષાબેનના માથાના ભાગે વાગતાં બંને ઇજાગ્રસ્ત થઈ નીચે પડી ગયા હતા.એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે આરોપ છે ઝગડા બાદ વિશ્રામભાઈએ લાકડી વડે રણજીતભાઈની પીઠ તેમજ ઉષાબેનના પગના ભાગે માર માર્યો હતો, જ્યારે સુશીલાબેને પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. બુમાબુમ સાંભળી નજીકમાં રહેલા કમલેશભાઈ થવારાભાઈ ફેરા દોડી આવ્યા હતા અને બંનેને વધુ મારથી બચાવ્યા હતા.ફરિયાદ મુજબ, આરોપીઓ જતા જતા ફરીથી એકલાં મળશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં રણજીતભાઈએ તેમના સાળા ધર્મેન્દ્રભાઈ ડામોરને જાણ કરતાં તેઓ પરિવારજનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને 100 નંબર પર ફોન કરતા પોલીસ વાન આવી હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇસરી સીએચસી ખાતે ખસેડ્યા હતા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.આ સમગ્ર બનાવ અંગે રણજીતભાઈ બારીયાએ તેમના ભાઈ વિશ્રામભાઈ સવજીભાઈ બારીયા અને ભાભી સુશીલાબેન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





