ગુજરાતના ૧૧,૦૦૦ લાયક ભાવિ શિક્ષકોની ભરતી ટ્રેનને ૬૦૦ અસફળ ઉમેદવારોએ લીધી બાનમાં – આવા તઘલખી નિર્ણય માટે જવાબદાર કોણ?: શિક્ષણ તંત્રની ઈચ્છા શક્તિનો અભાવ કે ખોરી દાનત?
૧૧,૦૦૦ વિદ્યાસહાયકોની કાયમી ભરતી સામે માત્ર ૬૦૦ ઠોઠ નિશાળીયાઓની અવાસ્તવિક માંગણીઓને કારણે ત્રણ માસથી પ્રક્રિયા અધ્ધરતાલ: જ્ઞાન સહાયક યોજનાનો બહિષ્કાર કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવતા ટેટ પાસ ઉમેદવારો

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુજરાતના ૧૧,૦૦૦ લાયક ભાવિ શિક્ષકોની ભરતી ટ્રેનને ૬૦૦ અસફળ ઉમેદવારોએ લીધી બાનમાં – આવા તઘલખી નિર્ણય માટે જવાબદાર કોણ?: શિક્ષણ તંત્રની ઈચ્છા શક્તિનો અભાવ કે ખોરી દાનત?
૧૧,૦૦૦ વિદ્યાસહાયકોની કાયમી ભરતી સામે માત્ર ૬૦૦ ઠોઠ નિશાળીયાઓની અવાસ્તવિક માંગણીઓને કારણે ત્રણ માસથી પ્રક્રિયા અધ્ધરતાલ: જ્ઞાન સહાયક યોજનાનો બહિષ્કાર કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવતા ટેટ પાસ ઉમેદવારો
મુંદરા, તા.૨૩:
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ-૧ પરીક્ષા બાદ ૧૧,૦૦૦ વિદ્યાસહાયકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અત્યંત ખેદજનક બાબત છે કે પરિણામ જાહેર થયાને અને ભરતીની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ થયાને ત્રણ માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) જાહેર કરવામાં આવ્યું નથી. શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચાઓ મુજબ માત્ર ૬૦૦ જેટલા અસફળ ઉમેદવારો દ્વારા ન્યૂનતમ લાયકાત ગુણ (૮૨ ગુણ) મેળવવા માટે ગ્રેસિંગ માર્કસની અવાસ્તવિક માંગ સાથે કરાયેલી કોર્ટ અરજીઓને બહાનું બનાવીને સમગ્ર ભરતી પ્રક્રિયાને અધ્ધરતાલ લટકાવી દેવામાં આવી છે.
ભરતી પ્રક્રિયાની સત્તાવાર સમયરેખા:
* ૨૧-૧૨-૨૦૨૫: ટેટ-૧ પરીક્ષાનું રાજ્યભરમાં સફળ આયોજન.
* ૨૪-૧૨-૨૦૨૫: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ.
* ૩૧-૧૨-૨૦૨૫: ઉમેદવારો પાસેથી ઓનલાઈન વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા.
* ૧૭-૦૧-૨૦૨૬: તમામ વાંધાઓના યોગ્ય નિરાકરણ બાદ ફાઈનલ આન્સર કી જાહેર થઈ.
* ૩૦-૦૧-૨૦૨૬: ટેટ-૧ પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું.
* ૦૧-૦૪-૨૦૨૬: ધોરણ ૧ થી ૫ માટે ૧૧,૦૦૦ વિદ્યાસહાયક ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ (સંદર્ભ: જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૬)
ટેટ-૧ પરીક્ષાનું આંકડાકીય ચિત્ર અને બોર્ડની પારદર્શિતા:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને ફાઈનલ આન્સર કીમાં અભૂતોપૂર્વ સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૦ પ્રશ્નોમાં ફેરફાર કરાયા હતા: ૩ પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્કસ અપાયા, ૬ પ્રશ્નોમાં બે વિકલ્પો સાચા મનાયા અને ૧ પ્રશ્નનો વિકલ્પ બદલાયો હતો. બોર્ડ દ્વારા તમામ કાયદેસરના વાંધાઓનું નિરાકરણ કરાયું હોવાથી પરીક્ષાનું પરિણામ નીચે મુજબ રહ્યું હતું:
* કુલ નોંધાયેલા ઉમેદવારો: ૧,૦૧,૫૨૫
* પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો: ૯૧,૬૨૮
* પાસ થયેલા લાયક ઉમેદવારો: ૧૧,૦૨૭ (પરિણામ: ૧૨.૦૩%)
વાર્તાનું વાસ્તવિકતામાં રૂપાંતર: ૧૦૦૦ મુસાફરો વિરુદ્ધ ૬૦ મુસાફરોની માનસિકતા:
તાજેતરમાં ચર્ચામાં આવેલી એક પ્રેરણાદાયી વાર્તા મુજબ ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસમાં ૧૦૦૦ મુસાફરો ટિકિટ લઈને બેસી ગયા હોય ત્યારે ટિકિટના પૈસા ખૂટતા હોય તેવા ૬૦ મુસાફરો માટે જો ટ્રેનને રોકી રાખવામાં આવે તો તે બાકીના મુસાફરો સાથે ભારે અન્યાય છે. બરાબર આ જ સ્થિતિ આજે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સર્જાઈ છે. ૧૧,૦૨૭ પાસ ઉમેદવારોમાંથી અંદાજે ૧૦,૦૦૦ જેટલા લાયક ઉમેદવારો વિદ્યાસહાયકની કાયમી નોકરી સ્વીકારવા તૈયાર બેઠા છે જ્યારે બીજી તરફ માત્ર ૬૦૦ જેટલા અસફળ ઉમેદવારો (ઠોઠ નિશાળીયા) આખી ભરતી પ્રક્રિયાને બાનમાં લઈને બેઠા છે.
જ્ઞાન સહાયક યોજનાનો શાંતિપૂર્ણ વિરોધ અને આંકડાકીય વાસ્તવિકતા:
રાજ્ય સરકારે ૨૩ જૂનથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકોની જગ્યાઓ ભરેલી બતાવવા માટે ૧૧ જૂનના રોજ ૧૬,૨૦૦ જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પાડી હતી. રોકેટ ગતિએ માત્ર ૧૦ જ દિવસમાં એટલે કે ૨૦ જૂનના રોજ ઓર્ડર વિતરણ પણ કરી દેવાયું. આમ છતાં આ યોજના સામે ઉમેદવારોમાં પ્રબળ આક્રોશ જોતા ૧૬,૨૦૦ જગ્યાઓની સામે માત્ર ૬,૫૭૯ અરજીઓ આવી હતી અને ૨૨ જૂનના અહેવાલો મુજબ તો તેમાંથી માત્ર ૩,૦૦૦ ઉમેદવારો જ હાજર થયાના સમાચાર છે! ટેટ-૧ પાસ ઉમેદવારોએ ૧૧ માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પદનો બહિષ્કાર કરીને કાયમી વિદ્યાસહાયક ભરતીની માંગને શાંતિપૂર્વક બુલંદ બનાવી છે.
લેભાગુ ઓનલાઈન ક્લાસીસ સંચાલકોનું કૌભાંડ અને સરકારને ભ્રમિત કરવાનો કારસો:
શિક્ષણપ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે પોતાના સ્વાર્થ અને આર્થિક ફાયદા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઓનલાઈન ક્લાસ ચલાવતા લેભાગુ સંચાલકો ઉમેદવારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ સંચાલકો ઉમેદવારો પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા જેવી મોટી ફી વસૂલવા માટે એવી ખોટી દલીલો કરે છે કે વિદ્યાસહાયકની ભરતી થાય તો જ્ઞાન સહાયકને છૂટા કરવા પડે. પરંતુ વાસ્તવિક આંકડા જુદા છે. જો વિદ્યાસહાયકની ૯,૦૦૦ જગ્યાઓ ભરાય અને કોર્ટ મેટરના ૬૦૦ ઉમેદવારોને પણ સમાવી લેવામાં આવે તો પણ રાજ્યમાં ૬,૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી રહે તેમ છે! એટલે કે જ્ઞાન સહાયકને છુટા કરવાના પોકળ દાવાઓ કરનારા આવા લેભાગુ સંચાલકોની આવક અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થવી જોઈએ, જેઓ સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો બનાવી સાચા ઉમેદવારો અને તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.
શિક્ષણપ્રેમીઓ અને જાગૃત નાગરિકોની મુખ્ય માંગણીઓ:
૧. પી.ટી.સી./ડી.એલ.એડ. બીજા વર્ષનું પરિણામ ૧૮ જૂને જાહેર થઈ ચૂક્યું હોવાથી પોર્ટલ ફરી ખોલ્યા વગર સરકાર પાસે રહેલા ડેટાના આધારે તાત્કાલિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) જાહેર કરવામાં આવે.
૨. ભરતી પ્રક્રિયાને અનિશ્ચિત સમય સુધી લટકાવી રાખવાને બદલે કોર્ટના આખરી ચુકાદાને આધિન રાખીને કાયદાકીય પ્રક્રિયા સાથે ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે.
૩. જે રીતે જ્ઞાન સહાયકની ભરતી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાની ‘ઈચ્છા શક્તિ’ તંત્રએ બતાવી તેવી જ રોકેટ ગતિ વિદ્યાસહાયકની કાયમી ભરતીમાં બતાવી ૧ માસમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
“બાળકોના ભવિષ્ય કરતાં કોઈ પણ પ્રક્રિયા મોટી હોઈ શકે નહીં; શિક્ષણ હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા મળવી જ જોઈએ.”
—————————
શું છે વિક્રમ – વેતાળની પુરી વાર્તા?:
જ્યારે રાજા વિક્રમે વેતાળને પોતાના ખભા પર ઉઠાવ્યો ત્યારે વેતાળ હસ્યો અને બોલ્યો “હે રાજન! તારો શ્રમ દૂર કરવા માટે હું તને એક વાર્તા સંભળાવું તેના અંતે તારે ન્યાય કરવાનો છે. જો તું સાચો જવાબ જાણવા છતાં મૌન રહીશ તો તારા મસ્તકના ટુકડે-ટુકડા થઈ જશે!”
વાર્તા પૂરી કરીને વેતાળે પૂછ્યું:
“હે બુદ્ધિશાળી રાજા વિક્રમ! હવે તું જ જણાવ કે આ પરિસ્થિતિમાં સ્ટેશન માસ્તરે શું નિર્ણય લેવો જોઈએ? શું 1000 પેસેન્જરોનો પક્ષ લેવો જોઈએ કે પેલા 60 લોકોનો? સ્ટેશન માસ્તરનો સાચો ધર્મ શું છે?”
રાજા વિક્રમનો ન્યાયપૂર્ણ જવાબ:
રાજા વિક્રમે શાંતિથી સ્મિત કર્યું અને કહ્યું: “હે વેતાળ! આ સમસ્યા માત્ર એક ટ્રેન કે સ્ટેશન પૂરતી સીમિત નથી પરંતુ આ વહીવટી કુશળતા, સામૂહિક હિત અને ન્યાયના સંતુલનનો બહુ મોટો કોયડો છે. સ્ટેશન માસ્તરે નીચે મુજબ ત્વરિત અને વિવેકપૂર્ણ નિર્ણય લેવો જોઈએ:”
* 1. સમયની કિંમત અને સામૂહિક હિત (ધર્મ):
રેલવે એ કોઈ એક વ્યક્તિની જાગીર નથી તે સામૂહિક વ્યવસ્થા છે. જે 1000 મુસાફરોએ પોતાની આર્થિક સક્ષમતા મુજબ મોંઘી કે સસ્તી ટિકિટ ખરીદીને સમયસર ટ્રેનમાં સ્થાન લીધું છે તેમનો સમય સૌથી કિંમતી છે. ત્રણ કલાક ટ્રેન લેટ થવાને કારણે મુંબઈ પહોંચવામાં જે મોડું થશે તેનાથી કદાચ ઘણાના મહત્વના કામો બગડી શકે છે. ‘બહુમતીનું હિત’ એ જ સાચો વહીવટી ધર્મ છે.
* 2. નિયમ અને વ્યવસ્થાનું પાલન:
જો સામાન્ય ડબ્બાની ટિકિટ માટે પણ 1 થી 10 રૂપિયા ખૂટતા હોવાને કારણે ટ્રેન રોકી રાખવામાં આવે તો તે રેલવેના નિયમો અને શિસ્તની વિરુદ્ધ છે. આવતીકાલે બીજા કોઈ મુસાફર સાથે આવું થાય તો શું રોજ ટ્રેન લેટ કરવામાં આવશે? વ્યવસ્થા ક્યારેય લાગણીઓથી નથી ચાલતી તે નિયમોથી ચાલે છે.
* 3. મુંબઈના કાર્યક્રમની તક હજુ જીવંત છે:
જેમ પેલા જાગૃત મુસાફરોએ સાચું જ કહ્યું કે મુંબઈના કાર્યક્રમમાં કુલ 1100 લોકોને ફ્રી પ્રવેશ મળવાનો છે. આજે 1000 લોકો જાય છે એટલે હજુ પણ 100 જગ્યાઓ ખાલી જ રહેવાની છે. આ 60 લોકો આવતીકાલની ટ્રેનમાં જશે તો પણ તેમને ત્યાં ફ્રી પ્રવેશ મળવાનો જ છે! તેથી તેમનો કોઈ અન્યાય થતો નથી.
* 4. સ્ટેશન માસ્તરનો ત્વરિત નિર્ણય:
સ્ટેશન માસ્તરે પેલા 60 લોકોને પક્ષપાત કે ખોટી સહાનુભૂતિ આપવાના બદલે “ટ્રેનને તાત્કાલિક લીલી ઝંડી આપીને રવાના કરવી જોઈએ.”
તેમણે 60 લોકોને સમજાવવું જોઈએ કે: “તમે આજે પ્લેટફોર્મ પર સમય બગાડવાને બદલે શાંતિથી તમારા ખૂટતા રૂપિયાની વ્યવસ્થા કરો અને આવતીકાલની ટ્રેનની ટિકિટ એડવાન્સમાં કરાવી લો જેથી મુંબઈમાં તમારો પ્રવેશ પણ સુનિશ્ચિત રહે અને આજે બીજા 1000 લોકોને પણ અન્યાય ન થાય.”
“હે વેતાળ! મોંઘી ટિકિટ લેનારાઓને બાનમાં રાખીને નિયમોનું ઉલ્લંઘન કરનારા 60 લોકોનો પક્ષ લેવો એ ન્યાય નથી પણ અન્યાય છે. સાચો વહીવટકર્તા એ જ છે જે વ્યક્તિગત લાગણીઓથી ઉપર ઊઠીને સામૂહિક ફરજ અને સમયનું પાલન કરે.”
રાજા વિક્રમનો આ ન્યાય સાંભળીને વેતાળ સંતોષાયો પણ રાજા મૌન તૂટતાં જ ‘હા… હા…’ કરતો ફરી વૃક્ષ પર જઈને લટકી ગયો!
આજે બરાબર આવી જ સ્થિતિ ગુજરાતના શિક્ષણ વિભાગમાં સર્જાઈ છે જ્યાં ૧૧,૦૦૦ લાયક ભાવિ શિક્ષકોની ભરતી ટ્રેનને માત્ર ૬૦૦ અસફળ ઉમેદવારોની અવાસ્તવિક માંગણીઓએ બાનમાં લીધી છે!
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com









