
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં રાજકીય ઘમાસાણ, કોંગ્રેસની બહુમતી વચ્ચે ભાજપના કારોબારી અધ્યક્ષની પસંદગીથી હોબાળો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા રાજકીય વિવાદ અને હોબાળાના માહોલ વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસની બહુમતી ધરાવતી પંચાયતમાં ભાજપના કારોબારી અધ્યક્ષની પસંદગી થતાં કોંગ્રેસના સભ્યોએ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા.
સભા દરમિયાન સ્પીકરની સુવિધાના અભાવે સભ્યોને અવાજ સ્પષ્ટ સંભળાયો ન હોવાનું કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું. તેમના આક્ષેપ મુજબ, અવાજ સ્પષ્ટ ન સંભળાતા કેટલાક કોંગ્રેસી સભ્યોએ અજાણતા ભાજપના ઉમેદવારના સમર્થનમાં હાથ ઊંચા કરી દીધા હતા, જેના પરિણામે ભાજપના ઉમેદવારની કારોબારી અધ્યક્ષ તરીકે પસંદગી થઈ હતી.આ ઘટનાને લઈને કોંગ્રેસના 13 તાલુકા પંચાયત સભ્યોએ સામાન્ય સભા મોકૂફ રાખવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને બહુમતી સાથે રજૂઆત કરી હતી. સભ્યોએ સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવી યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી.બેઠક દરમિયાન એક અન્ય મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો. પ્રમુખના પતિ કાંતિ હોથા બેઠકમાં બેસતા કેટલાક સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકમાં બિનઅધિકૃત વ્યક્તિની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો.પ્રથમ સામાન્ય સભામાં જ સર્જાયેલા વિવાદને પગલે ભિલોડા તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. હવે તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.





