RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં, જન કલ્યાણનાં” રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષમાં એસ.સી.ના ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો ખાનગી કોલેજમાં ‘ઝીરો ફી’થી પ્રવેશ

તા.૨૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: જીતેન્દ્ર નિમાવત, કેતન સારેસા

‘ફ્રી શીપ કાર્ડ’ થી ઉચ્ચ અભ્યાસને મળી પાંખોઃ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાંથી ૩૩૧૦ છાત્રોને રૂ.૧૫.૬૦ કરોડની શિષ્યવૃતિ ચૂકવાઈ

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે અને આ દરમિયાન દેશના છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચ્યા છે. આવી જ એક યોજના એટલે ફ્રી શીપ કાર્ડ. જેનાથી અનુસૂચિત જાતિ (એસ.સી.), અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)ના વિદ્યાર્થીઓનું ખાનગી શાળામાં ઉચ્ચ અભ્યાસનું સપનું સાકાર થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે લાગુ કરાયેલી આ યોજના થકી ગરીબ અને મધ્યમવર્ગના એસ.સી., એસ.ટી. પરિવારોના તેજસ્વી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

આ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક શ્રી આનંદબા ખાચરે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિના ૪૦૧૮ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડથી ખાનગી કોલેજોમાં વિનામૂલ્યે પ્રવેશ મળ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૭૩૧ વિદ્યાર્થીઓ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૨૦ વિદ્યાર્થીઓ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૭૧ વિદ્યાર્થીઓ, વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૨ વિદ્યાર્થીઓ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૦૪૪ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૩૧૦ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ યોજના હેઠળ રૂ.૧૫.૬૦ કરોડની માતબર રકમની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે.

નોંધનીય છે કે, આ યોજના કેન્દ્ર સરકારની ‘પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ’નો આ એક મહત્વનો ભાગ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપવાનો છે.

આ યોજના અંતર્ગત ખાનગી મેડિકલ, એન્જિનિયરિંગ કે ફાર્મસી જેવી કોલેજોમાં પ્રવેશ લેનારા છાત્રોની ઊંચી ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેથી વિદ્યાર્થી ‘ઝીરો ફી’માં અભ્યાસ કરી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થી ગુજરાતના મૂળ વતની હોવા જરૂરી છે. વિદ્યાર્થી (યુવક) માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા ₹૨.૫૦ લાખ છે, જ્યારે વિદ્યાર્થિનીઓ માટે આવી કોઈ આવક મર્યાદા નથી.

આ લાભ ફક્ત સરકારી મેરિટ દ્વારા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ મળે છે. ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ અને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ યોજનાની અમલવારી કરવામાં આવે છે. સરકાર દ્વારા દસ્તાવેજોની ચકાસણી થયા બાદ જ ફ્રી શિપ કાર્ડ જનરેટ થાય છે.

આર્થિક વિટંબણાને શિક્ષણના માર્ગમાં અવરોધ બનતા અટકાવતી આ યોજના આજે હજારો તેજસ્વી યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો માર્ગ બની રહી છે.

Back to top button
error: Content is protected !!