ગુજરાતમાં આજથી D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયા શરૂ: સરકારી નોકરીના ઉજળા સંજોગો વચ્ચે કચ્છમાં પુરુષોની કોલેજ બંધ હોતાં ભવિષ્યમાં ‘વાંઢાઓ’ની સંખ્યા વધવાનું સંકટ!
બહેનો માટે સ્થાનિકે રોજગારીની ઉત્તમ તક પણ પુરુષો માટે વ્યવસ્થા શૂન્ય હોતાં સામાજિક અસંતુલનનો ભય; સ્થાનિક નેતાગીરી સામે ઉઠતા સવાલો

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુજરાતમાં આજથી D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયા શરૂ: સરકારી નોકરીના ઉજળા સંજોગો વચ્ચે કચ્છમાં પુરુષોની કોલેજ બંધ હોતાં ભવિષ્યમાં ‘વાંઢાઓ’ની સંખ્યા વધવાનું સંકટ!
૦૦૦
બહેનો માટે સ્થાનિકે રોજગારીની ઉત્તમ તક પણ પુરુષો માટે વ્યવસ્થા શૂન્ય હોતાં સામાજિક અસંતુલનનો ભય; સ્થાનિક નેતાગીરી સામે ઉઠતા સવાલો
મુંદરા, ૨૪ જૂન ૨૦૨૬:
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક (વિદ્યાસહાયક) બનવા માટેના અનિવાર્ય એવા બે વર્ષીય ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (D.El.Ed. – જૂનું નામ PTC) કોર્સમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો આજથી એટલે કે ૨૪ જૂન ૨૦૨૬ના સવારે ૧૧ વાગ્યાથી સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઈ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
ભવિષ્યમાં કાયમી નોકરીના ઉજળા સંજોગો:
એક અંદાજ મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલમાં અંદાજે ૧૬,૨૦૦ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત આગામી ૧૦ વર્ષના વહીવટી કેલેન્ડર અને નિવૃત્તિના આંકડા જોતાં રાજ્યમાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૬૩,૭૮૬ જેટલી જગ્યાઓ ખાલી થવાની સંભાવના છે. આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાયમી ભરતીના સંજોગો અત્યંત ઉજળા છે. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ માત્ર બે વર્ષનો આ કોર્સ અને ત્યારબાદ ટેટ (શિક્ષક યોગ્યતા કસોટી) પાસ કરનાર લગભગ તમામ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક સાબિત થશે.
જરૂરી લાયકાત અને પ્રવેશ વિધિ:
* લાયકાત: ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ હોવો જોઈએ. સામાન્ય વર્ગ માટે લઘુત્તમ ૫૦% અને અનામત વર્ગ માટે ૪૫% ગુણ જરૂરી છે.
* પ્રવેશ વિધિ: કોઈપણ જાતની પ્રવેશ પરીક્ષા વગર સંપૂર્ણપણે ધોરણ ૧૨ ના મેરિટના આધારે પ્રવેશ મળશે. ઉમેદવારે સત્તાવાર પોર્ટલ ptc.dpegujarat.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી. દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને નજીકના સરકારી હેલ્પ સેન્ટર ખાતે જઈ રૂબરૂ વેરિફિકેશન કરાવવાનું રહેશે.
કચ્છની બહેનો માટે ઉત્તમ તક પરંતુ પુરુષો માટે અન્યાય!:
એક જમાનામાં જે કોર્સને સમાજે રમુજમાં “પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ” (PTC) નામ આપ્યું હતું તે કોર્સ આજે કચ્છ જિલ્લાની ધોરણ ૧૨ પાસ દીકરીઓ માટે સ્થાનિક સ્તરે જ રોજગારી મેળવવાની ઉત્તમ તક લઈને આવ્યો છે. ચાલુ વર્ષે કચ્છમાં મુંદરાની બુનિયાદી કોલેજ અને અંજારની મહિલા કોલેજ ચાલુ હોવાથી બહેનો માટે સ્થાનિક તક ઉપલબ્ધ છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ અત્યંત દુઃખદ છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં પુરુષ ઉમેદવારો માટે એક પણ કોલેજ કાર્યરત નથી. ભૂતકાળમાં મિશ્ર અને પુરુષો માટેની પાંચ જેટલી કોલેજો વહીવટી અને આર્થિક કારણોસર બંધ થઈ ગઈ છે. મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાની સત્તાવાર નીતિઓ વચ્ચે આ નીતિગત ખામીને કારણે સ્થાનિક કચ્છી યુવાનો (પુરુષો) માટે પોતાના જ જિલ્લામાં ભણવાનો અને રોજગારી મેળવવાનો મોકો છીનવાઈ જતા તેમને “વાંઢા” રહેવાનો વખત આવવાની સંભાવના છે.
સામાજિક અસંતુલન અને લગ્ન સંકટની ગંભીર આડઅસર :
આ નીતિગત ખામી માત્ર શૈક્ષણિક નહિ પરંતુ લાંબા ગાળે કચ્છના ગ્રામીણ સમાજમાં મોટું સામાજિક સંકટ ઊભું કરે તેવી દહેશત છે. કચ્છી પ્રજા વતન પ્રત્યેના અતિશય પ્રેમને કારણે સામાન્ય રીતે જિલ્લો છોડીને બહાર જવા તૈયાર થતી નથી. એક જમાનામાં જે કોર્સ સરકારી નોકરીની ગેરંટી સાથે યુવાનોના ઘર વસાવવા માટે “પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ” ગણાતો હતો તે આજે પુરુષો માટે બંધ થઈ જતાં સ્થાનિક યુવાનો આજીવિકાની ઉત્તમ તકથી વંચિત બન્યા છે. બીજી તરફ કચ્છમાં બહેનો માટે બે કોલેજો ચાલુ હોવાથી તેઓ ભણી-ગણીને સરકારી શિક્ષક બની પગભર થશે, જ્યારે સ્થાનિક ભાઈઓ માટેની વ્યવસ્થા શૂન્ય હોવાથી શૈક્ષણિક અને આર્થિક અસમાનતા સર્જાશે. આજના સમયમાં દીકરીઓ માટે સરકારી નોકરી ધરાવતા પાત્રની સામાજિક પસંદગી પહેલી હોય છે ત્યારે સ્થાનિક સ્તરે જ યુવાનોને શિક્ષક બનવાની તક ન મળતાં ભવિષ્યમાં જિલ્લામાં લાયક યુવાનોના લગ્ન અટકી પડવાની અને વાંઢાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થવાની વાસ્તવિક શક્યતાઓ પણ નકારી શકાતી નથી.
સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારે જાગશે?
કચ્છ જિલ્લો સરહદી અને વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવે છે જ્યાં સ્થાનિક કચ્છી બોલી અને સંસ્કૃતિ સમજતા શિક્ષકોની ભારે જરૂર રહે છે. બહારના જિલ્લાના પુરુષ શિક્ષકો અહીં લાંબો સમય ટકતા નથી જેને કારણે અંતરિયાળ શાળાઓમાં શિક્ષણ બગડે છે. આવી સ્થિતિમાં કચ્છમાં પુરુષો માટે એક પણ સરકારી કે ખાનગી ડી.એલ.એડ. કોલેજ ન હોવી એ વહીવટી તંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ (ધારાસભ્યો અને સાંસદ) ની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.
એક સરકારી શાળા કે કોલેજની મંજૂરીની મોટી ક્રેડિટ લેનારા સ્થાનિક નેતાઓ આ ગંભીર પ્રશ્નથી અજાણ છે કે કેમ? કચ્છના યુવાનોને શિક્ષક બનવા માટે આર્થિક બોજ વેઠીને પાડોશી જિલ્લાઓ (મોરબી કે પાટણ) સુધી ધક્કા ખાવા પડે છે. કચ્છી જનતા અને બુદ્ધિજીવીઓ માંગ કરી રહ્યા છે કે સ્થાનિક નેતાગીરી પક્ષિય રાજકારણથી ઉપર ઉઠીને સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ અવાજ ઉઠાવે અને ખાસ કિસ્સામાં માળખાગત સુવિધાઓ ધરાવતા ભુજ ડાયેટ ખાતે પુરુષો માટેની કોલેજ પસંદગી પ્રક્રિયા પહેલા પુનઃ શરૂ કરાવે જેથી કચ્છમાં જ કચ્છી ઉમેદવારોને ડી.એલ.એડ. કરવાનો લાભ મળી રહે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


