HALVAD:હળવદની ધાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફનમાં બાકોરું પાડી રૂ. ૨૦ હજારનું નુકસાન: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ




HALVAD:હળવદની ધાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફનમાં બાકોરું પાડી રૂ. ૨૦ હજારનું નુકસાન: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફન ખાતે કોઈ અજાણ્યા ઇસમે તોડફોડ કરી આશરે ૨૦,૦૦૦ રૂપિયાનું નુકસાન કર્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગત તા. ૧૮ જૂન ૨૦૨૬ની રાત્રિ દરમિયાન જુના દેવળીયા ગામની સીમમાં આવેલ ધાંગધ્રા બ્રાંચ કેનાલના સાયફન ખાતે કોઈ અજાણ્યા તત્ત્વ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્ત્વએ કેનાલના સાયફનમાં મોટું બાકોરું પાડી દઈને આશરે રૂ. ૨૦,૦૦૦ની સરકારી જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં નર્મદા નિગમના અધિકારીઓ દોડતા થયા હતા.
આ મામલે નર્મદા નિગમમાં ફરજ બજાવતા અને જુના અમરાપર (તા. હળવદ) ખાતે રહેતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે તા. ૨૩ જૂનના રોજ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.
હળવદ પોલીસે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ ૩૨૪(૩), ૩૨૪(૪) પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ-1984ની કલમ ૩(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં કેનાલને નુકસાન પહોંચાડનાર આરોપી અજાણ્યો હોય, હળવદ પોલીસ સ્ટેશનના વી.પી. ચાવડા દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


