MORBI મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો




MORBI મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો

ભૂતપૂર્વ વિદ્યાર્થી પી.ડી. કાંજીયા સાહેબે બાળકોને કીટ અને નાસ્તો આપી શાળાનું ઋણ ચૂકવ્યું
મોરબી તાલુકાની શ્રી ખાખરાળા તાલુકા શાળામાં ગત રોજ તારીખ ૨૩ જૂન ૨૦૨૬, મંગળવારના રોજ ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમની ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાના નાના-નાના ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત મોરબીના મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી મેડમ શ્રી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સિટી મામલતદાર શ્રી પ્રશાંતભાઈ ગઢવી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી દુષ્યંતભાઈ મારવાણીયા તેમજ શિક્ષણવિદ શ્રી પી.ડી. કાંજીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદહસ્તે ભૂલકાઓનું કુમકુમ તિલક કરીને શાળામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને પ્રેરણાદાયી ક્ષણ એ રહી કે, ખાખરાળા ગામની આ જ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પી.ડી. કાંજીયા સાહેબે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું હતું.
“જે શાળામાં પોતે ભણીને આગળ વધ્યા, તે જ શાળાના બાળકોને મદદ કરવાનો આ અવસર મારા માટે સુવર્ણ અવસર સમાન છે.” – શ્રી પી.ડી. કાંજીયા
તેમના તરફથી શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને:સ્કૂલ બેગ અને જરૂરી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું.શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાયા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બાળકોને ભરપેટ સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ખાખરાળા ગામમાં આ પ્રવેશોત્સવને કારણે ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


