MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો અનોખો પ્રતિકાર: અન્નદાતા બન્યા રક્તદાતા, યોજાયો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ




MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો અનોખો પ્રતિકાર: અન્નદાતા બન્યા રક્તદાતા, યોજાયો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ


સરકાર સામે આક્રોશ અને જનતા માટે સેવાનો સમન્વય – જે હાથ અન્ન પકવે છે, તે જ હાથ હવે રક્તદાન કરીને લોકોના જીવ બચાવશે.

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામેથી વીજલાઇનના વળતર મુદ્દે શરૂ થયેલી ખેડૂત આંદોલનની ચિનગારી હવે સમગ્ર ગુજરાતમાં પ્રસરી ચૂકી છે. એક પણ રૂપિયાનું વળતર ચૂકવ્યા વિના બળજબરીપૂર્વક ખેતરોમાં વીજ પોલ ઊભા કરાતા હોવાનો આક્ષેપ કરીને જગતનો તાત છેલ્લા ઘણા સમયથી ન્યાયની લડત લડી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર અને તંત્ર યોગ્ય ન્યાય આપવાને બદલે ખાનગી કંપનીના ઈશારે કામ કરી રહી છે, જેને પગલે સમગ્ર ખેડૂત આલમમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ લડત વચ્ચે સરકારની આંખ ઉઘાડવા અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં ખેડૂતોએ અહિંસક અને નવતર વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
જેતપર ગામે ચાલી રહેલી ઉપવાસ છાવણી ખાતે આજે અન્નદાતાઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘એક બોટલ રક્ત, ઘણી જિંદગીઓની આશા’ ના સૂત્ર સાથે આજે સવારે ૯ વાગ્યે કૈલાસ ગીરી બાપુ તથા ગામના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ભવ્ય મેગા રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખેતરમાં પરસેવો પાડીને દેશનું પેટ ભરતો અન્નદાતા આજે લોકોની જિંદગી બચાવવા માટે રક્તદાતા બન્યો છે.

વીજલાઇનનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આ સેવા યજ્ઞ દ્વારા ગુજરાતની જનતા અને સરકારના અંતર-આત્માને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ કેમ્પમાં સૌથી વધુ રક્તની બોટલો એકત્ર કરીને એક નવો રેકોર્ડ સર્જવાનો ખેડૂતોનો લક્ષ્યાંક છે. આ પુણ્ય કાર્ય અને અનોખા વિરોધ પ્રદર્શનમાં સહભાગી થવા માટે આજુબાજુના ગામેગામથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે અને આંદોલનને વધુ વેગવંતું બનાવ્યું છે.




