MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

વિજાપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જ્ય સરકારના “શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬” અને “કન્યા કેળવણી મહોત્સવ” અંતર્ગત વિજાપુર તાલુકાની વિવિધ શાળાઓમાં દ્વિતીય દિવસે ઉત્સાહપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. ઝવેરી વી.આર. હાઈસ્કૂલ ખાતે આવેલી પ્રાથમિક શાળા તેમજ કણભા પ્રાથમિક શાળામાં નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરી શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ઝવેરી વી.આર. સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન પટેલ, કોર્પોરેટર જયવીર બારોટ, તનજીલ અલી સૈયદ, અશોક ખમાર, આરોગ્ય વિભાગના ડૉ. સુભાષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રથમવાર શાળાના આંગણે પગલું માંડી રહેલા નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તે જ રીતે કણભા પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મંત્રી રાજેશભાઈ ડી. પટેલ (જેપુરવાળા), જિલ્લા સભ્ય જિગ્નેશભાઈ પટેલ, તાલુકા સભ્ય મીનાબા વિહોલ, પૂર્વ તાલુકા સભ્ય મનુભા ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વિકાસનો મજબૂત પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સમાજ અને સરકાર બંનેએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન “શિક્ષણના નવતર પગલાં, બાળપણના સોનેરી સપના”ના સંદેશ સાથે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આ કાર્યક્રમોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ સર્જી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.

Back to top button
error: Content is protected !!