વઢવાણ તાલુકાના ઝાંપોદર, મેમકા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો
સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે, રાજ્યની સરકારી શાળાઓ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.24/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે, રાજ્યની સરકારી શાળાઓ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, આજરોજ ઝાંપોદર પ્રાથમિક શાળા, મેમકા પ્રાથમિક શાળા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શાળામાં પ્રવેશપાત્ર ભૂલકાંઓને હોંશે-હોંશે પ્રવેશ અપાવી, શૈક્ષણિક કિટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવના આ મહાયજ્ઞની શરૂઆત કરાવી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળાઓમાં ૧૦૦% નામાંકન થાય અને રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે છે આ ભગીરથ કાર્ય માટે જ દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખુદ ગામડાંઓની શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવે છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે જેથી તેનું યોગ્ય ઘડતર કરવું આપણા સૌની સામૂહિક જવાબદારી છે સરકારી શાળાઓના બદલાયેલા ચિત્ર વિશે વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અગાઉ સરકારી શાળાઓની સ્થિતિ ખરાબ હતી પરંતુ આજે રાજ્યની સરકારી શાળાઓ ખરા અર્થમાં આધુનિક બની છે આજે શાળાઓમાં કમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ, પ્રયોગશાળા, લાયબ્રેરી અને ગણવેશ સહિતની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે બાળકોના સ્વાસ્થ્ય માટે મધ્યાહન ભોજન યોજના હેઠળ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે સરકારી શાળામાં માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોને ઉત્તમ સંસ્કાર આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે વધુમાં તેમણે ઉપસ્થિત ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખીએ આ સાથે જ તેમણે ગામમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી ગામને હરિયાળું બનાવવા અને એક આદર્શ ગામનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન વિષય પર પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ શાળામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે પર્યાવરણ જતનનો સંદેશ આપતા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.રથવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



