

તાહિર મેમણ – આણંદ – 24/08/2026 – બાળકોના પ્રારંભિક બાળપણના વિકાસ અને પોષણને વધુ સુદ્રઢ બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતાં, બોરસદ તાલુકાના બોદાલ ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદ-૩ ઘટકના દાવોલ સેજા અંતર્ગત આવતા બોદાલ ગામના આ આધુનિક આંગણવાડી ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગામના ૧૫ જેટલા નાના ભૂલકાંઓને પાટી પેન, શૈક્ષણિક કીટ અને રમકડાં આપીને ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ આંગણવાડી એ માત્ર અક્ષરજ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ તે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સંસ્કારોના સિંચનનું પ્રથમ પગથિયું છે તેમ જણાવી વાલીઓને પોતાના બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ આંગણવાડી પરિસરમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ, બાળકો માટેના રમકડાં અને શૈક્ષણિક ચાર્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને બાળકોની વિશેષ સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ લોકાર્પણ અને પ્રવેશોત્સવ પ્રસંગે સરપંચશ્રી વૈશાલી પટેલ, તલાટીશ્રી, સીડીપીઓ (CDPO), ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક સહકારી અને સામાજિક અગ્રણીઓ, આંગણવાડીના મુખ્ય કાર્યકરો, આરોગ્યકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.



