જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થના હસ્તે ધોરણ-૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારાયા

♦મહીસાગર જિલ્લામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત મોવાસા ખાતે વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ યોજાયો
****
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થના હસ્તે ધોરણ-૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારાયા

***
સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં તારીખ ૨૩ થી ૨૫ દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ગોધર તાલુકાના મોવાસા ગામમાં આવેલી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થના વરદ હસ્તે શાળામાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમામ બાળકો શાળામાં પ્રવેશે અને શિક્ષિત બને. આ દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે આજના સમયમાં શિક્ષણ વિના કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવું અશક્ય છે.વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી શીખ આપતા ડીડીઓશ્રીએ ઉમેર્યું હતું કે, ધોરણ ૯ થી ૧૨ નો સમયગાળો કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હોય છે. આથી, વિદ્યાર્થીઓએ આ અમૂલ્ય સમયમાં માત્ર પોતાના અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજના ડિજિટલ યુગમાં મોબાઈલનો ઉપયોગ માત્ર પ્રેરણા અને જ્ઞાન મેળવવા પૂરતો જ સીમિત રાખવો હિતાવહ છે. વધુમાં, યુવાવસ્થામાં જોવા મળતા વ્યસન અને ખરાબ સંગતથી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે દૂર રહીને ઉજ્જવળ કારકિર્દી ઘડવા તેમણે ખાસ અપીલ કરી હતી.
શિક્ષકોને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોએ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવા પૂરતું સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દી માટે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. ધોરણ ૧૧ અને ૧૨ પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના વિકલ્પો અંગે શિક્ષકોએ સ્વયં માહિતી એકત્ર કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા જોઈએ.
શાળા પ્રવેશોત્સવના આ પાવન અવસરે ગત શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોવાસા ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશોત્સવના આ જ્ઞાનયજ્ઞને સફળ બનાવ્યો હતો.



