દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૬ : દ્વિતીય દિવસ પ્રારંભ

તા.૨૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૬ : દ્વિતીય દિવસ પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદના અંતરિયાળ મોટી ખરજ ગામે ઉપસ્થિત રહી ભૂલકાઓનો શાળા પ્રવેશ કરાવ્યો આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી મુખ્યમંત્રીએ શૈક્ષણિક કીટ એનાયત કરી વડીલ સહજ વાત્સલ્યભેર સંવાદ કર્યો આદિવાસી પટ્ટામાં નિરક્ષરતાનું કલંક મિટાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું શિક્ષણનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ડૉક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની રહ્યા છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી યોજનાઓ દીકરીઓના શિક્ષણ માટે સુરક્ષા કવચ સમાન મુખ્યમંત્રીએ મોટી ખરજની રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળામાં ૩૧૮ ભૂલકાઓનું નામાંકન કરાવી, અધવચ્ચે અભ્યાસ છોડનાર બાળકોને પુનઃ શાળાએ વાળ્યા શિક્ષણના સફળ અભિયાનોના કારણે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ‘ડ્રોપ-આઉટ રેશિયો’ ઘટ્યો છે: સાંસદ જસવંતસિંહ ભાભોર આજે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને વકીલ બનીને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે: સાંસદ ભાભોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ના દ્વિતીય દિવસનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાલવાટિકામાં ૬૭ અને અન્ય ધોરણોમાં મળી કુલ ૩૧૮ ભૂલકાઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી અક્ષરજ્ઞાનના પવિત્ર માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હૃદયસ્પર્શી અંદાજમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું દીકરીઓને આત્મવિશ્વાસ સાથે બોલતી જોઉં છું, ત્યારે મારા હદયને આનંદ થાય છે”. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું જે અભિયાન શરૂ કર્યું હતું, તેના પરિણામે આજે આદિવાસી પટ્ટાના બાળકો એન્જિનિયર, ડોક્ટર અને પાયલોટ બનીને દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. શિક્ષણ માટેની જે વર્ષોની ભૂખ હતી, તે આજે પૂરી થતી જણાય છે.મુખ્યમંત્રીએ શિક્ષણમાં આવેલા ગુણાત્મક પરિવર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ છે. સરકાર વ્યવસ્થા આપવાની જવાબદારી નિભાવી રહી છે, ત્યારે વાલીઓએ પણ જાગૃત બનીને પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, તેમ હળવી ટકોર કરી તેમણે વાલીઓને મહિનામાં એકાદ વખત શાળાએ જઈ શિક્ષકોને મળવા અને બાળકોની પ્રગતિ જાણવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ ત્યારે જોવા મળ્યો જ્યારે તેમણે અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોને ધોરણ-૯ માં પુનઃ પ્રવેશ કરાવ્યો અને એક વડીલ તરીકે તેમને સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, રગ્બી રમતમાં નેશનલ લેવલ સુધી પહોંચનાર દાહોદની તેજસ્વી દીકરીઓને રગ્બી બોલ ભેટ આપી તેમનો જુસ્સો પણ વધાર્યો હતો.સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે. તેમણે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓની વિગતો આપતા કહ્યું કે, ધોરણ ૯ થી ૧૨ ની દીકરીઓને પચાસ હજાર રૂપિયા અને સાયન્સમાં ભણતા દીકરા-દીકરીઓને પણ વિશેષ સહાય આપવામાં આવે છે, જેથી આર્થિક કારણોસર કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવાની હાકલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની દરેક યોજનાના પાયામાં છેવાડાનો અને નાનો માણસ રહેલો છે.આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા આ અભિયાનને કારણે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ‘ડ્રોપ-આઉટ રેશિયો’માં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ દીકરીઓના શિક્ષણ પ્રત્યે રહેલી ઉદાસીનતા દૂર થઈ છે અને આજે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને વકીલ બનીને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચ્યું છે, તેમ કહી સિંગવડ ખાતે રૂ. ૨૩ કરોડના ખર્ચે નિર્મિત અંગ્રેજી માધ્યમની આધુનિક શાળા આ વિસ્તારના બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે, તેમ ગૌરવભેર ઉમેર્યું હતું.સાંસદએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વનબંધુ કલ્યાણ યોજના-૨’ દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસને નવી ગતિ આપી છે. ભૂતકાળમાં મજૂરી માટે થતું પલાયન અટકાવવા માટે સરકાર મક્કમ છે. જે અંતર્ગત બારિયા, ધાનપુર, ગરબાડા, દાહોદ અને ઝાલોદ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડવા માટે રૂ. ૫૦૦૦ કરોડથી વધુની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે આ વિસ્તારમાં સિંચાઈ ક્રાંતિ લાવશે. આમ સિંચાઈ અને શિક્ષણમાં આવેલી આ ક્રાંતિથી આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકશે અને નવી પેઢી આત્મનિર્ભર બનશે, તેમ ભાભોરે સહર્ષ જણાવ્યું હતું.કાર્યક્રમના અંતિમ ચરણમાં મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે સમિતિની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને શાળાના સર્વાંગી વિકાસ માટે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. તદુપરાંત, મુખ્યમંત્રીએ શાળામાં ઉપસ્થિત વાલી સમિતિના સભ્યો સાથે રૂબરૂ મુલાકાત કરી સીધો સંવાદ સાધ્યો હતો. આ આત્મીય સંવાદ દરમિયાન તેમણે વાલીઓના મૂલ્યવાન પ્રતિભાવો અને અપેક્ષાઓ જાણી હતી. મુખ્યમંત્રીએ બાળકોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યના ઘડતર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વ્યાપ વધારવા અંગે વાલીઓ સાથે મહત્વપૂર્ણ પરામર્શ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. પર્યાવરણ જતનના સંદેશ સાથે મુખ્યમંત્રીએ શાળા પ્રાંગણમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનીયા, સંગઠનના જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિતના ઉચ્ચ અધિકારીઓ, મોટી ખરજ ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




