NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના દૂધિયા તળાવ પશુવાડામાં ગૌમાતાઓની દયનીય હાલત! ભૂખમરાને કારણે મૃત્યુના બનાવો, ગૌરક્ષકોમાં રોષ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

NMCની બેદરકારી સામે ગૌરક્ષક રાકેશભાઈ શર્માની મેયરને લેખિત રજૂઆત, ઉકેલ નહીં આવે તો અનશન આંદોલનની ચીમકી

નવસારી શહેરના દૂધિયા તળાવ ખાતે આવેલ પશુવાડામાં ગૌમાતાઓ માટેની પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓના અભાવે ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ચારા અને પીવાના પાણીની અછત, પશુચિકિત્સકની નિયમિત સુવિધાનો અભાવ તેમજ વરસાદી ઋતુ દરમિયાન પૂરતા શેડ ન હોવાને કારણે અનેક ગૌમાતાઓ બીમાર પડી રહી છે અને મૃત્યુ પામી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

 

મળતી માહિતી મુજબ પશુવાડામાં રહેલી ગૌમાતાઓને પૂરતો ચારો અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ ન થતાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અનેક વખત ગૌમાતાઓના મૃત્યુ થયાના બનાવો પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, મૃત્યુ પામેલા પશુઓની અંતિમ વિધિ અને યોગ્ય નિકાલ બાબતે પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. કેટલાક કિસ્સાઓમાં મૃત ગાયોને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવતી હોવાના આક્ષેપોથી ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થળ પર ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન રજૂ થયેલી ફરિયાદો અંગે જવાબદારી સ્વીકારવાને બદલે હાથ ઊંચા કરી દેવામાં આવતા અરજદારોમાં અસંતોષ વધુ વકર્યો છે. ગૌરક્ષકો દ્વારા આવા બિનજવાબદાર કર્મચારીઓને દૂર કરીને જવાબદાર અને સંવેદનશીલ અધિકારીઓની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

આ મુદ્દે છેલ્લા આઠથી નવ મહિનાથી અનેક વખત પ્રાર્થનાપત્ર, આવેદનપત્ર અને રૂબરૂ મુલાકાતો દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળ્યું નથી. જેના પગલે દોડતા રાકેશભાઈ શર્માએ આજે નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાને લેખિત આવેદનપત્ર પાઠવી સમગ્ર પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા.

રાકેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, “ગૌમાતાઓની સંભાળ માટે ફાળવવામાં આવતા સંસાધનો છતાં જો તેમને પૂરતો ચારો, પાણી અને સારવાર ન મળી શકે તો તે અત્યંત દુઃખદ અને ચિંતાજનક બાબત છે. ગૌમાતા પ્રત્યેની આ બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં.”

આ સાથે તેમણે ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવાની માંગને પણ પુનરોચ્ચાર કરી હતી. મેયર સમક્ષ રજૂઆત દરમિયાન પશુવાડાની હાલત સુધારવા, નિયમિત પશુચિકિત્સકની નિમણૂક કરવા, પૂરતા શેડ ઉભા કરવા, ચારો-પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા પશુઓના મૃત્યુના બનાવોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.

ગૌરક્ષકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે અને ગૌમાતાઓની સુરક્ષા તથા સંભાળ માટે યોગ્ય વ્યવસ્થા નહીં થાય, તો જિલ્લાના તમામ ગૌરક્ષકો નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં શાંતિપૂર્ણ અનશન આંદોલન શરૂ કરવા માટે મજબૂર બનશે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગૌભક્તો મહાનગરપાલિકાની આગામી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!