જેલના બંધનો વચ્ચે ખીલ્યું બાળપણ: ગોધરા સબ જેલમાં રહેલ મહિલાના બાળકનું આંગણવાડીમાં કરાયું નામાંકન
જેલના બંધનો પણ જ્યાં બાળકના અક્ષરજ્ઞાનના પ્રથમ પગથિયાને રોકી ન શક્યા, તે જ સાચો શાળા પ્રવેશોત્સવ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા, શત-પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે હાલ રાજ્યવ્યાપી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના તમામ વર્ગો સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલ ખાતેથી માનવતા અને ઉજ્જવળ ભવિષ્યની રાહ ચીંધતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
ગોધરા સબ જેલમાં કાચા કામના મહિલા કેદી તરીકે સજા કાપી રહેલા એક માતા સાથે તેમનો ૪ વર્ષનો માસૂમ પુત્ર દશરથ ટીનાભાઈ નાયક પણ જેલના વાતાવરણમાં રહેતો હતો. સામાન્ય રીતે જેલની ચાર દીવાલો વચ્ચે બાળકોનું બાળપણ અને તેમનું પ્રાથમિક શિક્ષણ રુંધાતું હોય છે. પરંતુ, રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે જેલ પ્રશાસન અને સ્થાનિક આંગણવાડીના સંયુક્ત સહયોગથી એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત ગોધરા-૧ ઘટકના બાવચાવાડ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિશિષ્ટ પરિસ્થિતિમાં જીવતા બાળકોને શિક્ષણ સાથે જોડવાના ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા. જેમાં ગોધરા સબ જેલ ખાતે રહેતા અને શિક્ષણથી વંચિત એવા દશરથને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સફળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
બાળક દશરથના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે તેને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાર્યને સફળ બનાવવા માટે, ગોધરા સબ જેલના અધિક્ષક શ્રી આર. બી. મકવાણાએ જેલ પ્રશાસન વતી સમગ્ર પ્રક્રિયાનું સુકાન સંભાળ્યું અને બાળકને ઉત્સાહભેર વિદાય આપી. આ વ્યવસ્થામાં આંગણવાડી કાર્યકર મુન્નીબેન પ્રજાપતિએ બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સક્રિય ઉત્સાહ દર્શાવ્યો અને તેની સાથે જ તેડાગર બહેન પન્નાબેન પટેલે પણ બાળકને સુરક્ષિત રીતે રોજ જેલમાંથી આંગણવાડી લાવવા અને પરત મૂકવાની જવાબદારી સ્વીકારીને સાચા કર્મયોગી તરીકેની ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે એક લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. જેલના અધિક્ષક શ્રી આર. બી. મકવાણા, જેલના અન્ય કર્મચારીઓ, મહિલા સ્ટાફ તેમજ જેલના મહિલા યાર્ડના તમામ મહિલા બંદીવાનો એકત્રિત થયા હતા. સૌએ ભેગા મળીને દશરથને ખૂબ જ ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે તાળીઓડા ગડગડાટ વચ્ચે શાળા પ્રવેશોત્સવ માટે જેલમાંથી વિદાય આપી હતી. આ દ્રશ્ય જોઈને માતાની આંખોમાં પણ બાળકના ભવિષ્ય પ્રત્યે નવી આશાના કિરણો દેખાતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક દિવસનો ઉત્સવ ન બની રહે તે માટે જેલ પ્રશાસન અને આંગણવાડી દ્વારા સુંદર સાતત્યપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આંગણવાડીના તેડાગર પન્નાબેન રૂબરૂ જેલ ખાતે આવીને રોજ બાળક દશરથને સવારે આંગણવાડી લઈ જશે અને ત્યાં રમત-ગમત સાથે અક્ષરજ્ઞાન આપ્યા બાદ સુરક્ષિત રીતે જેલ ખાતે તેની માતા પાસે પરત મૂકી જશે. આ વ્યવસ્થાના કારણે બાળક જેલના બંધનો વચ્ચે પણ મુક્ત મને સામાન્ય બાળકોની જેમ શિક્ષણ મેળવી શકશે.
આમ, જેલના બંધનો અને કાયદાકીય પ્રક્રિયાઓ વચ્ચે પણ એક માસૂમ બાળકના શિક્ષણના અધિકારને પ્રાથમિકતા આપીને ગોધરા સબ જેલ પ્રશાસને અને આંગણવાડીની ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સરાહનીય પ્રયાસથી રાજ્ય સરકારનો ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ સાચા અર્થમાં સાર્થક બન્યો છે.






