MAHISAGARSANTRAMPUR

*મને ગમતી શાળા નરસીંગપુર ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી*

*મને ગમતી શાળા નરસીંગપુર ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી*

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

 

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયપ્રકાશ પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના યુવાન અને ઉત્સાહી HTAT આચાર્ય લખમણભાઈ ખરાડી દ્વારા મહેમાનોના શબ્દોથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગામના સરપંચ રમેશભાઈ સંગાડા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોયાભાઈ ભાભોર, શિક્ષણવિદ નર્મદાબેન મકવાણા, તલાટી સેજલબેન પટેલ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ, ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીના 7, બાલવાટિકાના 24, ધોરણ-1ના 4 તથા ધોરણ-6ના 15 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગોળ-ધાણા ખવડાવી, મોઢું મીઠું કરાવી તથા શૈક્ષણિક કિટ અર્પણ કરીને શાળામાં આવકારવામાં આવ્યા હતા.
બાળ અમૃત વચનમાં રાવળ ધ્રુવીબેને સ્વચ્છતા અને રાવળ રાહુલભાઈએ પાણી બચાવો વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 44 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રવેશપાત્ર બાળકો માટે દફતરોનું દાન કરનાર શાળાના સ્ટાફમિત્ર દેવજીભાઈનું કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન જયપ્રકાશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાના હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના વખાણ કર્યા હતા. સાથે સાથે શાળાની શૈક્ષણિક કામગીરી, શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે શાળા વધુ ને વધુ પ્રગતિના શિખરો સર કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી તથા વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજાઈ હતી તેમજ મહેમાનો દ્વારા શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત મૂલ્યાંકન ફોર્મેટ બાબતે વિદ્યાર્થીઓ તથા મધ્યાહન ભોજન સંચાલક સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શાળાના વરિષ્ઠ શિક્ષક દેવજીભાઈ તાવીયાડે કરી હતી. કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શાળાના શિક્ષક રમેશકુમાર બી. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!