સણસોલી,ડેરોલ ગામ-ડેરોલ સ્ટેશનની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત સાંસદની હાજરીમાં ભૂલકાંઓનો શાળા પ્રવેશ.

તારીખ ૨૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
:ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉમદા આશય સાથે સમગ્ર રાજ્યમાં “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬” નું ભવ્ય આયોજન તા. ૨૩ થી તા. ૨૫ જૂન દરમિયાન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના અંતિમ દિવસે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વિવિધ શાળાઓ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાંસદ રાજપાલસિંહ જાદવ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાલોલ તાલુકાના વિવિધ ક્લસ્ટરોની શાળાઓની મુલાકાત લઈ ભૂલકાઓને ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.કાલોલ તાલુકાના સણસોલી, ડેરોલ ગામ અને ડેરોલ સ્ટેશન ક્લસ્ટર ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૬ માં મોટી સંખ્યામાં નૂતન વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો તેમજ ‘બેક ટુ સ્કૂલ’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા હતા.સણસોલી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૧૩, બાલવાટિકામાં ૨૮, ધોરણ-૧ માં ૪૦, ધોરણ-૬ માં ૫૧ અને બેક ટુ સ્કૂલ અંતર્ગત ૫ બાળકોને પ્રવેશ અપાયો હતો.જંત્રાલ પ્રાથમિક શાળા (PM SHRI) – ડેરોલ ગામમાં આંગણવાડીમાં ૪, બાલવાટિકામાં ૧૮, ધોરણ-૧ માં ૩૨, ધોરણ-૬ માં ૪૩ બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો.ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૬, બાલવાટિકામાં ૧૨, ધોરણ-૧ માં ૨૩, ધોરણ-૬ માં ૪૭ અને બેક ટુ સ્કૂલ અંતર્ગત ૯ બાળકોને પ્રવેશ અપાયો હતો.કાર્યક્રમ દરમિયાન સીઆરસી કો-ઓર્ડિનેટર અને નોડલ અધિકારી અક્ષયકુમાર પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








