બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ માલપુર તાલુકાના કોયલિયા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન હાજરી આપી

કિરીટ પટેલ બાયડ
માલપુર તાલુકાના કોયલિયા ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું ઉષ્માભર્યું સ્વાગત
માલપુર તાલુકાના કોયલિયા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 અને 10 ની મંજૂરી મળતા ગામ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત અભ્યાસ અને સંસ્કારપૂર્ણ શિક્ષણ મેળવવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે કોયલિયા ગામ સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની દીકરીઓ સાથે ધારાસભ્યશ્રીએ પ્રીતિભોજન ગ્રહણ કર્યું હતું. વિદ્યાર્થીનીઓ સાથે હળવા સંવાદ કરી તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને દીકરીઓનું શિક્ષણ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.



