
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સીસોદર (અદાપુર) ગામમાં ગામના પ્રવેશદ્વાર પાસે આવેલી આશરે 20 થી 25 વર્ષ જૂની પાણીની ઊંચી ટાંકી હાલ અત્યંત જર્જરીત અને જોખમી બની

મેઘરજ તાલુકાના સીસોદર (અદાપુર) ગામમાં ગામના પ્રવેશદ્વાર પાસે આવેલી આશરે 20થી 25 વર્ષ જૂની પાણીની ઊંચી ટાંકી હાલ અત્યંત જર્જરીત અને જોખમી હાલતમાં પહોંચી ગઈ છે. ટાંકીની ખરાબ સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક ટાંકી ઉતારી નવી બનાવવાની માંગ ઉઠી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ટાંકીના બહારના ભાગે લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જ્યારે ઉપરના ભાગે આવેલા પ્રોટેક્શન પિલ્લરના ભાગો નીચે ઝૂલતા નજરે પડે છે. ઉપરાંત ટાંકી પર ચઢવા માટેની સીડીઓ પણ તૂટી જતાં સમગ્ર માળખું જોખમી બની ગયું છે.મહત્વની વાત એ છે કે આ પાણીની ટાંકી ગામમાં પ્રવેશતા બંને મુખ્ય માર્ગોની વચ્ચે આવેલી હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ પણ આ જ ટાંકીમાં પાણી ભરવામાં આવતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.ગ્રામજનોએ તંત્રને માંગ કરી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જર્જરીત ટાંકી તાત્કાલિક દૂર કરી નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવે, જેથી ગામલોકોને સુરક્ષિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે.




