
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું દિલધડક રેસ્ક્યુ, યુવા જીવદયા ટ્રસ્ટે બચાવ્યો જીવ

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સાથરીયા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આશરે 60 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં અકસ્માતે ખાબકેલો મોર જીવ બચાવવા માટે સતત તરફડિયાં મારી રહ્યો હતો.ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતને થતાં તેમણે તાત્કાલિક યુવા જીવદયા ટ્રસ્ટને જાણ કરી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને જોખમ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ટીમે મોરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.રાષ્ટ્રીય પક્ષી મોરને નવજીવન મળતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યુવા જીવદયા ટ્રસ્ટની સમયસરની કામગીરી અને જીવદયા પ્રત્યેની નિષ્ઠાને ગ્રામજનોએ બિરદાવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો સમયસર રેસ્ક્યુ ન થયું હોત તો મોરનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. આ સમગ્ર ઘટનાએ માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.




