WAKANER:વાંકાનેર પોલીસ : ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વ્યાજખોરો પાસેથી કબ્જે કરાયેલી કાર, બાઈક અને સોનું મૂળ માલિકોને પરત કરાયું




WAKANER:વાંકાનેર પોલીસ : ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વ્યાજખોરો પાસેથી કબ્જે કરાયેલી કાર, બાઈક અને સોનું મૂળ માલિકોને પરત કરાયું

ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકોની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી કબ્જે કરેલી સ્વિફ્ટ કાર, સ્પ્લેન્ડર બાઈક અને સોનાના દાગીના સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને સન્માનભેર પરત સોંપ્યો છે.

ગત તારીખ ૩૧/૦૫/૨૦૨૬ના રોજ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વ્યાજ વટાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અન્ય બે ભોગ બનનાર સાક્ષીઓ ભનુભાઇ લાલજીભાઇ કુણપરા અને સવશીભાઇ જાદવભાઇ કુણપરા (બંને રહે. રાતાવીરડા) ના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી અને તેમની પાસેથી વ્યાજ પેટે પડાવી લીધેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.સ્પ્લેન્ડર મોટરસાયકલ: આરોપી બીજલભાઇ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા (રહે. લાકડધાર, વાંકાનેર) પાસેથી રૂ. ૩૦,૦૦૦ની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક (નંબર: GJ-36 BC-0783) કબ્જે કરાયું.સ્વિફ્ટ કાર: સહ-આરોપી હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા (રહે. મોરબી) પાસેથી સાક્ષી ભનુભાઈની રૂ. ૩,૦૦,૦૦૦ની કિંમતની સ્વિફ્ટ કાર (નંબર: GJ-36-AJ-6096) રિકવર કરવામાં આવી.સોનાના દાગીના: ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી વ્યાજ પેટે પડાવી લેવાયેલ અંદાજે ૮૯.૯૩ ગ્રામ સોનાના ઘરેણા, જેની અંદાજિત કિંમત રૂ. ૭,૧૯,૪૪૦/- થાય છે, તે પણ પોલીસે જપ્ત કર્યા હતા.તપાસના અંતે રિકવર કરાયેલો આ તમામ કિંમતી મુદ્દામાલ આજે વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) એસ.એચ. સારડાના હસ્તે ફરિયાદી અને તેમના સાથીઓને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની કષ્ટીની કમાણી અને વાહનો પરત મળતા ભોગ બનનારાઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવીને ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે.




