કાલોલમાં રખડતા આખલાનો આતંક: ગાય પાછળ દોડતા આખલાએ પરવડી બજારથી મહાલક્ષ્મી ચોકનો રસ્તો જામ કર્યો.

તારીખ ૦૧/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના વ્યસ્ત એવા પરવડી બજારથી મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આજ રોજ એક કાળા કલરના આખલાએ ભારે આતંક મચાવતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજાર વચ્ચેથી પસાર થતી એક ગાયને જોઈને તેની પાછળ-પાછળ જતો આ આખલો અચાનક અત્યંત આક્રમક બની ગયો હતો અને રસ્તાની વચ્ચે ધામા નાખી માર્ગ રોકી લેતા વાહનવ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું અને લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે મહિલાઓ અને બાઇક સવાર નિશાન બનતા બચ્યાબજારની ભીડભાડ વચ્ચે ગાયની પાછળ દોડતો આખલો આવતા-જતા રાહદારીઓ સામે થતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરમિયાન લાકડાનો ભારો લઈને જતી બે શ્રમિક મહિલાઓ સામે આખલો ધસી આવતા, બંને મહિલાઓ જીવ બચાવવા માટે લાકડાનો ભારો રસ્તા પર જ ફેંકીને સલામત સ્થળે ભાગી છૂટી હતી. આ જ રીતે એક મોટરસાયકલ ચાલક પણ આખલાની ઝપટે ચડતા બચ્યો હતો જ્યાં આખલો એકાએક સામે આવી જતાં ચાલક પોતાની બાઇક રસ્તા પર જ પડતી મૂકીને જીવ બચાવવા દોડ્યો હતો.નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે સાંઢ કે આખલા પ્રજનનકાળ (Mating period) દરમિયાન વધુ સક્રિય અને ઉગ્ર બનતા હોય છે. આ સમયે તેમના શરીરમાં હોર્મોન્સનું સ્તર ખૂબ વધી જતું હોવાથી તેઓ ગાયોને મેળવવા માટે અત્યંત આક્રમક બની જાય છે અને સામે આવતા અન્ય પશુઓ કે મનુષ્યો પર હુમલો કરી બેસે છે. આજ રોજ કાલોલની બજારમાં પણ ગાયને જોઈને આખલો આ જ કારણે કાબૂ બહાર થયો હોવાનું જાણવા મળેલ છે.૧૫ થી ૨૦ મિનિટ બાદ બજારે રાહતનો શ્વાસ લીધો હતો જ્યાં આ કાળા કલરના આખલાએ અંદાજે પંદરથી વીસ મિનિટ સુધી સમગ્ર પરવડી બજાર અને મહાલક્ષ્મી ચોક વિસ્તારને જાણે બાનમાં લીધો હતો, જેના કારણે રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આખરે, આ આખલો ગાયની પાછળ-પાછળ નવાપુરા તરફ રવાના થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.






