કાલોલ MGS હાઇસ્કૂલ નજીક લક્ઝરી બસનો કહેર, બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત,એક ઘાયલ.

તારીખ ૦૧/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે એમ.જી.એસ. હાઇસ્કુલ પાસે રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વડોદરાથી મોટરસાયકલ પર પોતાના વતન રાજસ્થાન જઈ રહેલા બે શ્રમિક પિતરાઈ ભાઈઓને પાછળથી આવતી એક બેફામ લક્ઝરી બસે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક ૪૫ વર્ષીય ઇસમનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પાડલા ગામના વતની અને હાલ વડોદરાના વાઘોડીયા રોડ પર રહીને કડીયાકામની મજૂરી કરતા રાકેશભાઇ જીથીંગભાઇ કટારા (ઉ.વ. ૪૦) એ આ મામલે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, ગત રાત્રે આશરે એકાદ વાગ્યાની આસપાસ રાકેશભાઈ અને તેમના કાકાના દીકરા પ્રકાશભાઇ ગલીયાભાઇ કટારા (ઉ.વ. ૪૫) પોતાની બજાજ પલ્સર મોટરસાયકલ (નંબર: RJ-03-AF-5180) પર સવાર થઈને વડોદરાથી પોતાના વતન ખેતીકામ માટે જવા નીકળ્યા હતા. મોટરસાયકલ રાકેશભાઈ ચલાવી રહ્યા હતા અને પ્રકાશભાઈ પાછળ બેઠા હતા. અને રાત્રિના આશરે ૨:૩૦ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ કાલોલની એમ.જી.એસ. હાઇસ્કુલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક લક્ઝરી બસના ચાલકે (બસ નંબર: MP-09-DG-1394) બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. અને અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ભાઈઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં પાછળ બેઠેલા પ્રકાશભાઈને માથાના પાછળના ભાગે તેમજ મોઢા પર ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયા હતા, જ્યારે રાકેશભાઈને કાન અને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યાં ઘટનાની જાણ થતાં જ ૧૧૨ જન રક્ષકની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને સારવાર અર્થે કાલોલ સરકારી દવાખાને ખસેડ્યા હતા. જોકે, ત્યાં હાજર ફરજ પરના તબીબે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા.આ અંગે કાલોલ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ PSI એસ આર મકવાણા આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે.







