SINORVADODARA

શિનોર જેટકો સબ સ્ટેશન ખાતે રાજેન્દ્રકુમાર ખત્રીની ભાવભીની વિદાય…


શિનોર સ્થિત જેટકો સબ સ્ટેશન ખાતે બોડેલી ડિવિઝનમાં આસિસ્ટન્ટ ઓપરેટર (એ.ઓ.) તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર તથા છેલ્લા 16 વર્ષથી ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ તરીકે કર્મચારીઓના હિત માટે સતત કાર્યરત રહેલા શ્રી રાજેન્દ્રકુમાર રણછોડભાઈ ખત્રીની સેવા નિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેટકો શિનોર સબ સ્ટેશન તથા બોડેલી ડિવિઝનના ઇજનેરો, અધિકારીઓ, કર્મચારીઓ, એપીએમસી ચેરમેન સચિન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ સહિત આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી રાજેન્દ્રકુમાર ખત્રીને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વક્તાઓએ જણાવ્યું કે રાજેન્દ્રકુમાર ખત્રીએ કર્મચારી તરીકેની ફરજ ઉપરાંત સંગઠનના સેક્રેટરી જનરલ તરીકે રાજ્યભરના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નોના અસરકારક ઉકેલ લાવી આગવી ઓળખ ઊભી કરી છે. કર્મચારીઓના હિતોના રક્ષણ, સંગઠનને મજબૂત બનાવવા અને સમસ્યાઓના હકારાત્મક નિરાકરણમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
સમારંભ દરમિયાન કુમકુમ તિલક કરી, શાલ ઓઢાડી, નાળિયેર, સાકર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એપીએમસી ચેરમેન સચિન પટેલે જણાવ્યું કે રાજુભાઈ ખત્રીએ પોતાના પરિવાર કરતાં પણ કર્મચારીઓના હિતને પ્રાધાન્ય આપી શિનોરનું નામ સમગ્ર રાજ્યમાં ગૌરવ અપાવ્યું છે.
આ પ્રસંગે રાજેન્દ્રકુમાર ખત્રી સૌના સ્નેહ અને સન્માનથી ભાવુક બન્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ જરૂર પડે ત્યારે કર્મચારીઓની સાથે રહી માર્ગદર્શન આપવાની ખાતરી વ્યક્ત કરી અને સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!