સુરેન્દ્રનગર ખાતે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં 7 દિવસીય “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક
હોસ્પિટલોમાંથી બિનજરૂરી મેડિકલ વેસ્ટ અને ભંગારનો ત્વરિત નિકાલ કરી સરકારી હોસ્પિટલોને એકદમ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવાશે

તા.01/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હોસ્પિટલોમાંથી બિનજરૂરી મેડિકલ વેસ્ટ અને ભંગારનો ત્વરિત નિકાલ કરી સરકારી હોસ્પિટલોને એકદમ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવાશે, સુરેન્દ્રનગર જિલ્લામાં “નમો સ્વચ્છતા અભિયાન”નો શુભારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ ખાતેથી કરવામાં આવ્યો હતો આ વિશેષ અભિયાન અન્વયે આગામી ૭ જુલાઈ સુધી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં ૭ દિવસીય સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘નમો સ્વચ્છતા અભિયાન’ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વેગવંતું બનાવવામાં આવશે જિલ્લાના ૫૧ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), ૧૧ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC), સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિતની તમામ સરકારી હોસ્પિટલોમાં આગામી ૭ દિવસ સુધી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાશે તેમણે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપતા ઉમેર્યું હતું કે, આ ૭ દિવસીય વિશેષ ઝુંબેશ દરમિયાન હોસ્પિટલોમાં લાંબા સમયથી એકત્ર થયેલો બિનજરૂરી મેડિકલ વેસ્ટ, જૂનું અને વણવપરાયેલું ફર્નિચર તેમજ આયુષ્માન યોજનાની વણવપરાયેલી ગાડીઓ જેવી તમામ બિનઉપયોગી સામગ્રીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી હોસ્પિટલોને એકદમ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાનો છે જેથી હોસ્પિટલની મુલાકાતે આવતા સામાન્ય નાગરિકો અને દર્દીઓનો સરકારી આરોગ્ય તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓ જ્યારે પોતાના પરિવાર સાથે અહીં સારવાર માટે આવે ત્યારે તેમને હોસ્પિટલનું વાતાવરણ પ્રફુલ્લિત, સકારાત્મક અને સુંદર લાગે તેવો આ એક નમ્ર પ્રયાસ છે આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારનું વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ એક થઈને રાત-દિવસ કામ કરી રહ્યા છે આ તકે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ નિહાળ્યું હતું આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા કાર્યક્રમના અંતે નાયબ મુખ્ય દંડક અને અન્ય મહાનુભાવો દ્વારા હોસ્પિટલ પરિસરમાં પ્રતીક સફાઈ શ્રમદાન કરીને આ ૭ દિવસીય સેવા યજ્ઞનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, નિવાસી અધિક કલેકટર વી. ડી. સાકરીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



