વલસાડ: કરોડોના પુલમાં બેદરકારીનો પર્દાફાશ? ઔરંગા નદી પરનું કામ અટવાતા સરકાર સામે ઉઠ્યા ગંભીર સવાલો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ચોમાસામાં હજારો લોકો મુશ્કેલીમાં; ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર – SIT તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ
વલસાડના ગુંદલાવ-છીપવાડને જોડતા ઔરંગા નદી પર કરોડોના ખર્ચે મંજૂર થયેલા પુલનું કામ લાંબા સમયથી ઠપ્પ રહેતાં ચોમાસામાં હજારો રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર મામલે ખેરગામના યુથ લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી પ્રોજેક્ટના આયોજનથી લઈને અમલીકરણ સુધીની સમગ્ર પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ડો. પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે પ્રોજેક્ટની શરૂઆતથી જ વહીવટી બેદરકારી અને આયોજનની ખામીઓ સામે આવી રહી છે. સ્થળની પૂરતી ભૌગોલિક તપાસ કર્યા વિના પુલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરતાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું જવાબદાર એન્જિનિયરો માત્ર ઓફિસમાં બેઠાં બેઠાં જ ડિઝાઇન તૈયાર કરી દીધી હતી?
તેમણે વધુમાં જણાવ્યું છે કે જે જમીન રાજ્ય સરકારની માલિકીની જ નહોતી, તેના માટે જરૂરી મંજૂરી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ કેવી રીતે મંજૂર થયો? સાથે જ માર્ગ અને મકાન વિભાગ (R&B)ના જવાબદાર અધિકારીઓએ કઈ તપાસના આધારે પ્રોજેક્ટને મંજૂરી આપી અને ખાતમુહૂર્ત સુધી પ્રક્રિયા આગળ વધવા દીધી તે અંગે પણ નિષ્પક્ષ તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું છે.
ડો. પટેલના જણાવ્યા મુજબ જનતાના ટેક્સના નાણાંથી ચાલતા વિકાસકાર્યોમાં આવી બેદરકારી અસ્વીકાર્ય છે. જો આયોજનમાં ખામી કે બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું જાહેર નાણું બગડ્યું હોય તો તેની જવાબદારી નિશ્ચિત થવી જ જોઈએ.
આ સમગ્ર મામલે તેમણે સરકાર સમક્ષ ચાર મહત્વની માંગણીઓ મૂકી છે. જેમાં સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય SIT દ્વારા તપાસ, સ્થળ તપાસ વિના અહેવાલ તૈયાર કરનાર ટેકનિકલ એન્જિનિયરો અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરીને ખાતાકીય કાર્યવાહી, ભ્રષ્ટાચાર કે બેદરકારી સાબિત થાય તો સરકારી નાણાંની વસૂલાત જવાબદારો પાસેથી કરવી તેમજ જમીન અને ટેકનિકલ અવરોધોનો તાત્કાલિક ઉકેલ લાવી પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને લોકોને રાહત આપવાની માંગનો સમાવેશ થાય છે.
ડો. નિરવ પટેલે આશા વ્યક્ત કરી છે કે ગુજરાત સરકાર ‘ઝીરો ટોલરન્સ ફોર કરપ્શન’ની નીતિ અને ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે અને લાંબા સમયથી અટવાયેલું પુલનું કામ ઝડપથી પૂર્ણ કરાવશે, જેથી ચોમાસામાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો કાયમી અંત આવે.



