NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદ દ્વારા તા. 2 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી આગાહી અનુસાર નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

SEOC ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસન, પોલીસ, મહાનગરપાલિકા, તાલુકા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા, કાચા મકાનોને નુકસાન, વૃક્ષો ધરાશાયી થવા તેમજ વીજ પુરવઠામાં ખલેલ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વાહનચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેતીપૂર્વક વાહન હંકારવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી, ચેકડેમ, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું, અફવાઓથી દૂર રહેવું અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવું. જરૂર પડે ત્યારે સ્થાનિક તંત્ર અને ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને દમણ જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા હોવાથી આગામી 24 કલાક અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!